'હું જૂડો ચેમ્પિયન, મને ગુસ્સો આવી ગયો...' મારપીટ કરનારા શિવસેનાના ધારાસભ્યનું શરમજનક નિવેદન
Maharashtra MLA Sanjay Gaikwad Viral Video: મહારાષ્ટ્રના બુલઢાણામાંથી શિવસેના(શિંદે જૂથ)ના ધારાસભ્ય સંજય ગાયકવાડનો એક વીડિયો વાયરલ થતાં વિવાદ સર્જાયો છે. જેમાં તે વિધાન ભવન કૅન્ટીનમાં એક કર્મચારીને લાતો- મુક્કા મારતાં જોવા મળ્યા છે. આ વીડિયો વાયરલ થયા બાદ તેમના અભદ્ર અને હિંસક આચરણ પર સવાલો ઉઠ્યા છે. ગાયકવાડે આરોપ મૂક્યો હતો કે, તેમને કૅન્ટીનમાં જે દાળ પીરસવામાં આવી હતી, તે બગડેલી હતી.
ગાયકવાડે આપી સ્પષ્ટતા
ગાયકવાડનો આ વીડિયો વાયરલ થતાં હોબાળો મચ્યો છે. મીડિયા સમક્ષ તેમણે સ્પષ્ટતા આપી હતી કે, મેં કૅન્ટીનમાં દાળ-ભાત અને બે રોટલી મંગાવી હતી. તેને જમ્યા બાદ મને ઉબકા આવવા લાગ્યા. મેં કૅન્ટીના સ્ટાફને કહ્યું કે, તમારું ભોજન વાસી થઈ ગયુ છે. મેં મેનેજરને બોલાવ્યો પણ તે સ્વીકારવા તૈયાર જ ન હતો કે, ભોજન જમવા લાયક નથી.
મારપીટ પર પસ્તાવો નહીં
ગાયકવાડને મીડિયાએ પૂછ્યું હતું કે, શું એક જનપ્રતિનિધિને જાહેરમાં મારપીટ કરવાનું શોભે છે? જેના જવાબમાં ગાયકવાડે જણાવ્યું હતું કે, મને જરા પણ પસ્તાવો નથી. હું ધારાસભ્ય છું અને એક યોદ્ધા પણ. જ્યારે કોઈને વારંવાર સમજાવ્યા બાદ પણ તેને સમજણ પડતી ન હોય, ત્યારે આ ભાષાનો ઉપયોગ કરું છું. જેને બાળાસાહેબ ઠાકરેએ શીખવી હતી. હું જૂડો, કરાટે, જિમ્નાસ્ટિક, અને તલવારબાજીમાં માહેર છું. મારો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
હું ગાંધીવાદી નથી, મને કોઈ પસ્તાવો નહીંઃ ગાયકવાડ
ગાયકવાડે સ્પષ્ટપણે કહ્યું કે, હું ગાંધીવાદી નથી, મને કોઈ પસ્તાવો નથી. મેં કશું ખોટું કર્યુ નથી. આ મુદ્દાને હું વિધાનસભામાં પણ ઉઠાવીશ. ઉલ્લેખનીય છે, વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે, ધારાસભ્ય ગાયકવાડ એક કૅન્ટીન કર્મચારીની ધોલાઈ કરી રહ્યા છે. તેને વારંવાર ધક્કો અને મુક્કા મારી રહ્યા છે. અગાઉ બે-ત્રણ દિવસ પહેલાં MNSના નેતાના દીકરાનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં તે નશામાં અર્ધનગ્ન સ્થિતિમાં એક મહિલા સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આ વીડિયો જોયા બાદ રાજકીય તાકાતનો દુરુપયોગ, લોકશાહીની મર્યાદાઓની અવગણના અને ઉચ્ચ પદે બિરાજમાન લોકોની જવાબદારી પર સવાલો ઉઠ્યા છે.