હૈદરાબાદમાં માણી શકાશે દરિયા જેવી મજા, 35 એકરમાં આકાર લેશે રૂ. 225 કરોડનો મેગા બીચ પ્રોજેક્ટ
Hyderabad Artificial Beach Project: ચારમિનાર જેવી ઐતિહાસિક ઇમારતો અને સ્વાદિષ્ટ બિરયાની માટે વિશ્વભરમાં જાણીતું હૈદરાબાદ હવે એક નવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. દરિયાની મજા માણવા માટે અત્યાર સુધી લોકો ગોવા અથવા કેરળ જેવા દરિયાકિનારાના પ્રદેશોમાં જતા હતા, પરંતુ હવે હૈદરાબાદમાં જ દરિયા જેવી મજા માણવાની તક મળશે. તેલંગાણા સરકાર શહેરમાં એક અનોખો કૃત્રિમ બીચ બનાવવાની યોજના પર કામ કરી રહી છે, જે પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણ બની જશે.
ગોવા જેવો અનુભવ હવે હૈદરાબાદમાં
પ્રવાસીઓ માટે દરિયાકિનારો હંમેશથી આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે. દરિયામાં નહાવા અને રેતાળ બીચ પર લટાર મારવાનું સુખ એક અલગ જ અનુભવ આપે છે. કલ્પના કરો કે જ્યાં માઈલો સુધી દરિયો નથી એવા હૈદરાબાદ શહેરમાં હવે તમને બીચ પર બેસીને આરામ કરવાનો અવસર મળે તો! આ કોઈ કોરી કલ્પના નથી, પરંતુ હકીકત છે, કારણ કે હૈદરાબાદમાં કૃત્રિમ બીચ બનાવવાના પ્રોજેક્ટને સરકારી સ્તરે મંજૂરી મળી ગઈ છે.
35 એકરમાં આકાર લેશે રૂ. 225 કરોડનો મેગા પ્રોજેક્ટ
આ કૃત્રિમ બીચ પ્રોજેક્ટ માટે સરકાર લગભગ રૂ. 225 કરોડનો ખર્ચ કરવા જઈ રહી છે. શહેરની નજીક કોટવાલ ગુડા ખાતે 35 એકર વિસ્તારમાં આ બીચ વિકસાવવામાં આવશે. અહીં એક વિશાળ સરોવરનું નિર્માણ કરવામાં આવશે, જેમાં પાણી અને રેતીનું સંયોજન એ રીતે કરવામાં આવશે કે પ્રવાસીઓને સાચુકલા બીચ પર થાય એવો અનુભવ મળે.
આ પણ વાંચોઃ ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે?
પ્રવાસીઓ માટે આધુનિક સુવિધાઓ
આ બીચ ફક્ત પાણી અને રેતી સુધી મર્યાદિત નહીં રહે. અહીં પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉપલબ્ધ રહેશે— જેમ કે, વેવ પુલ, એડવેન્ચર સ્પોર્ટ્સ, સાયકલિંગ ટ્રેક, પ્લે ઝોન, ફૂડ કોર્ટ અને સિનેમા હોલ. અહીં હોટલ અને રેસ્ટોરન્ટ્સની સુવિધા પણ હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ શહેરમાં પિકનિક, મનોરંજન અને એડવેન્ચર માટેનું નવું કેન્દ્ર ઊભું થશે.
કોટવાલ ગુડા કેમ પસંદ થયું?
કોટવાલ ગુડાને આ પ્રોજેક્ટ માટે પસંદ કરવાની પાછળનું મુખ્ય કારણ તેની વ્યૂહાત્મક સ્થિતિ છે. આ સ્થળ આઉટર રિંગ રોડ નજીક હોવાથી ઉત્તમ કનેક્ટિવિટી ધરાવે છે અને અહીં વિકાસ માટે પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ છે. પર્યાવરણની સંભાળ રાખવા માટે અહીં ઈકો-ફ્રેન્ડલી બાંધકામ પદ્ધતિઓ અપનાવવામાં આવશે, જેથી પ્રકૃતિ અને વિકાસ બંને વચ્ચે સંતુલન જળવાઈ રહે.
હૈદરાબાદને વૈશ્વિક નકશા પર લાવવાનો પ્રયાસ
આ પ્રોજેક્ટ દ્વારા સરકારનો હેતુ હૈદરાબાદને વૈશ્વિક પર્યટન નકશા પર અગ્રણી સ્થાન પર લાવવાનો છે. અત્યાર સુધી હૈદરાબાદ તેની ઐતિહાસિક ઇમારતો અને આઈટી ક્ષેત્ર માટે જાણીતું હતું, પરંતુ કૃત્રિમ બીચ બન્યા પછી અહીં પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થવાની સંભાવના છે, જેને લીધે સ્થાનિક અર્થતંત્રને પણ ગતિ મળશે.
વિશ્વ સ્તરીય રોકાણ તરફ નજર
આ બીચ પ્રોજેક્ટનો વિગતવાર રિપોર્ટ તૈયાર થઈ ગયો છે. ડિસેમ્બર મહિનામાં જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ અહીં નિર્માણકાર્ય શરૂ થશે. પ્રારંભિક રૂ. 225 કરોડના રોકાણ ઉપરાંત આંતરરાષ્ટ્રીય રોકાણકારોને આ પ્રોજેક્ટ તરફ આકર્ષવા માટે પણ પ્રયાસો થઈ રહ્યા છે.