ફૂડ ડિલિવરી ચાર્જ પર હવે 18% GST લાગશે, ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે?
GST On Food Delivery: તાજેતરમાં GST દરોમાં થયેલા ફેરફારને લીધે ટીવી-ફ્રિજથી લઈને નાની કાર સુધીની ઘણી ચીજો દેશમાં સસ્તી થવા જઈ રહી છે, જે દેશના નાગરિક માટે આનંદના સમાચાર કહેવાય. જોકે, આ ફેરફાર સાથે જ GST કાઉન્સિલે મોટો નિર્ણય લઈ ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ દ્વારા વસૂલાતી ડિલિવરી ફી પર 18 ટકા GST લગાવવાનો નિયમ લાગુ કર્યો છે, જેને લીધે ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું મોંઘું થશે. આ બદલાવથી ઝોમેટો(Zomato) અને સ્વિગી (Swiggy) જેવી કંપનીઓ પર અંદાજે ₹180 થી ₹200 કરોડનો વધારાનો નાણાકીય ભાર આવી શકે છે, જેના કારણે તેમણે તેમની વ્યવસાયિક વ્યૂહરચનામાં બદલાવ લાવવો પડી શકે એમ છે.
કાયદાએ સ્પષ્ટતા આપી
અત્યાર સુધી ઝોમેટો અને સ્વિગી જેવી ફૂડ ડિલિવરી એપ્સે ડિલિવરી ફી પર GST ચૂકવવો પડતો ન હતો, તેની જવાબદારી ડિલિવરી પાર્ટનરની ગણાતી હતી. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કાઉન્સિલ દ્વારા સ્થાનિક ઈ-કોમર્સ ડિલિવરી સેવાઓને CGST કાયદાની કલમ 9(5) હેઠળ લાવી દેવામાં આવી છે, જેને લીધે હવે ઇ-કોમર્સ ઓપરેટરે ડિલિવરી ફી પર સીધો કર વસૂલવો પડશે. તાજેતરની સ્પષ્ટતા બાદ પ્લેટફોર્મે તેને પોતાની આવક માનીને ટેક્સ ચૂકવવો પડશે. ડિલિવરી ફી પર GST માટે પ્લેટફોર્મ જવાબદાર ગણાય કે નહીં, એ મુદ્દે લાંબા સમયથી સ્પષ્ટતાની રાહ જોવાતી હતી, આ જાહેરાત સાથે એ ચર્ચાનો અંત આવ્યો છે.
નફામાં ઘટાડાનો ભય
ઝોમેટો અને સ્વિગી તાજેતરમાં નફાની સ્થિતિએ પહોંચ્યા હતા. ઝોમેટોએ એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ₹451 કરોડનો અને સ્વિગીએ ₹192 કરોડનો ઓપરેટિંગ નફો નોંધાવ્યો હતો. પરંતુ નવા કર નિયમોને લીધે તેમના નફામાં મોટો ઘટાડો થવાનો ભય સર્જાયો છે. આવી સ્થિતિમાં આ પ્લેટફોર્મ્સ કેવા નિર્ણય લઈ શકે છે?
ગ્રાહકો અને ડિલિવરી કર્મચારીઓને અસર થશે
સૂત્રો જણાવે છે કે કંપનીઓ વધારાનો કર પોતે સહન કરવાને બદલે તેનો એક ભાગ ગ્રાહકો પર અથવા ડિલિવરી કર્મચારીઓ પર નાંખી શકે છે. આમ થાય તો ગ્રાહકોને ઓનલાઈન ફૂડ ઓર્ડર કરવું વધુ મોંઘુ પડશે અને ડિલિવરી કર્મચારીઓની કમાણીમાં પણ ઘટાડો થશે.
આ પણ વાંચોઃ ગામડાઓ અને નાના શહેરોનો પ્રીમિયમ FMCG ઉત્પાદનોના વેચાણમાં 42% હિસ્સો
નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાતો કહે છે કે આ બદલાવની અસર મર્યાદિત જ રહેશે, કેમ કે અત્યારે પણ લગભગ બે તૃતીયાંશ ફૂડ ઓર્ડર પર ડિલિવરી ચાર્જ માફ થાય છે. ઝોમેટો અને સ્વિગી જેવા ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ્સ વધુ ઓર્ડર મળે એ માટે ડિલિવરી ચાર્જ માફ કરતા હોય છે.
કયું પ્લેટફોર્મ કેટલો ચાર્જ વધારી શકે?
નિષ્ણાતોના મત મુજબ, ઝોમેટો પર ડિલિવરી ચાર્જ પ્રતિ ઓર્ડર ₹2 જેટલો અને સ્વિગી પર ₹2.6 જેટલો વધી શકે છે. એનો અર્થ એ કે, નિયમ અમલી બનતાં ગ્રાહકોને દરેક ઓર્ડર પર થોડો વધારાનો ખર્ચ સહન કરવો પડી શકે છે.
ગ્રાહકો પાસેથી લેવાતી પ્લેટફોર્મ ફીમાં સતત વધારો કરાય છે
ઝોમેટો અને સ્વિગી જેવા પ્લેટફોર્મ્સ GST-સંબંધિત ખર્ચ વિવિધ ફી-ને નામે ગ્રાહકો પાસેથી જ વસૂલે છે અને વખતોવખત એમાં વધારો પણ કરે છે. સ્વિગીએ છેલ્લા થોડા સમયમાં તેની પ્લેટફોર્મ ફી ત્રણ વખત વધારી છે. પહેલાં 12 રૂપિયાથી વધારીને 13 રૂપિયા કરી, પછી 14 રૂપિયા અને તાજેતરમાં GST સહિત પ્રતિ ઓર્ડર 15 રૂપિયા કરી દીધી છે! ઝોમેટોએ પણ GST સહિત પ્રતિ ઓર્ડર તેની પ્લેટફોર્મ ફી 11.8 રૂપિયાથી વધારીને 14.75 રૂપિયા કરી છે. એની સામે બંને કંપનીઓએ તાજેતરમાં સબ્સ્ક્રિપ્શન-આધારિત ઓર્ડર માટે લઘુત્તમ ઓર્ડર મૂલ્ય (MOV) 199 રૂપિયાથી ઘટાડીને 99 રૂપિયા કર્યું છે. આ પગલું પ્લેટફોર્મ ફીમાં કરાયેલા વધારાની અસરને સરભર કરવા માટે લેવાયું હોવાનો મત નિષ્ણાતો વ્યક્ત કરે છે.
ક્વિક કોમર્સ એપ્સની સ્થિતિ શું છે?
Blinkit જેવી એપ્સ ડિલિવરી ફીને આવકનો ભાગ માને છે, એટલે એના પર GST પહેલેથી જ વસૂલાતો હોવાથી તેને કોઈ મોટી અસર નહીં થાય. Instamart અને Zepto જેવી સર્વિસીસે અત્યાર સુધી ઓછી કે મફત ફી રાખી છે, ત્યાં હવે એક રૂપિયાથી ઓછો વધારો થઈ શકે છે.