નવી પાર્ટી બનાવી AIMIM સાથે ગઠબંધન કરી ચૂંટણી લડીશું: બાબરીનો પાયો નાખનાર હુમાયુ કબીરની જાહેરાત

| (IMAGE - IANS) |
Humayun Kabir: પશ્ચિમ બંગાળના રાજકારણમાં એક નવો અને મહત્ત્વપૂર્ણ વળાંક આવ્યો છે. તૃણમૂલ કોંગ્રેસ(TMC)માંથી સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્ય હુમાયુ કબીરે મુર્શિદાબાદના બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાનો શિલાન્યાસ કર્યાના થોડા જ કલાકો બાદ મોટા ગઠબંધનની જાહેરાત કરી છે. શનિવારે કબીરે કહ્યું કે, તેઓ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી સાથે વાતચીત કરી રહ્યા છે અને બંને પક્ષો આગામી ચૂંટણીઓમાં સાથે મળીને મેદાનમાં ઉતરવાની તૈયારીમાં છે.
ઓવૈસી સાથે ગઠબંધન: BJP અને TMCને રોકવાનો દાવો
હુમાયુ કબીરે જણાવ્યું કે, આ સંભવિત ગઠબંધન બંગાળમાં ભારતીય જનતા પાર્ટી(BJP) અને TMC બંનેને રોકવા માટે એક મજબૂત વિકલ્પ રજૂ કરશે. આ અંગે હુમાયુ કબીરે કહ્યું કે, 'અમે ઓવૈસીની પાર્ટી સાથે ચર્ચા કરી રહ્યા છીએ અને સાથે મળીને આગળ આવવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ ગઠબંધન રાજકીય રીતે એક મોટું પરિવર્તન સાબિત થઈ શકે છે.'
AIMIM સાથે જોડાણ: 135 ઉમેદવારો ઉતારવાનો દાવો
બંગાળના રાજકારણમાં 'ગેમચેન્જર' બનવાનો દાવો કરતા કબીરે પોતાની નવી પાર્ટીની યોજનાઓ જણાવતા કહ્યું કે, 'હું એક નવી પાર્ટી બનાવીશ જે મુખ્યત્વે મુસલમાનો માટે કામ કરશે. તેમજ આગામી બંગાળ ચૂંટણીમાં 135 બેઠકો પર ઉમેદવારો ઉતારવામાં આવશે. હું AIMIMના સંપર્કમાં છું અને તેની સાથે જ ચૂંટણી લડીશ. મેં ઓવૈસી સાહેબ સાથે વાત કરી છે.'
બાબરી મસ્જિદના સ્થળે ધાર્મિક-રાજકીય તણાવ
આ જાહેરાત એવા સમયે આવી છે જ્યારે હુમાયુ દ્વારા બેલડાંગામાં પ્રસ્તાવિત બાબરી મસ્જિદના શિલાન્યાસ કાર્યક્રમને લઈને રાજ્યમાં રાજકીય હલચલ વધી છે. આ કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયોમાં મોટી સંખ્યામાં સમર્થકો માથા પર ઈંટો લઈને જમીન પર એકઠા થતા જોવા મળ્યા હતા. આજે પણ મોટી સંખ્યામાં લોકો તે સ્થળે પહોંચીને ઈંટો જમા કરી રહ્યા છે અને દાનપેટીમાં રૂપિયા આપીને નિર્માણ કાર્યમાં સહયોગ આપી રહ્યા છે.
આ પણ વાંચો: ખાનગી બંગલાનું 3.5 લાખ રૂપિયા વીજ બિલ બાકી છતાં તેજ પ્રતાપ સામે કોઈ કાર્યવાહી નહીં
હુમાયુના આ પગલાથી તેમની રાજકીય દિશા સ્પષ્ટ થઈ છે. TMCમાંથી સસ્પેન્શન બાદ જે સવાલો ઊભા થયા હતા, ઓવૈસીની પાર્ટી સાથેના સંભવિત ગઠબંધને તેમને રાજ્યની રાજનીતિમાં ફરીથી કેન્દ્રમાં લાવી દીધા છે.
મુસ્લિમો અને દલિતો માટે નવું રાજકીય મંચ
હુમાયુએ દાવો કર્યો કે બંગાળમાં મુસ્લિમો અને દલિતોના રાજકીય અવાજને મુખ્યપ્રવાહની પાર્ટીઓએ નજરઅંદાજ કર્યો છે. તેમણે કહ્યું કે, હવે એક નવું મંચ તૈયાર થઈ રહ્યું છે, જ્યાં તેમની ભાગીદારી અને હિતોને પ્રાથમિકતા આપવામાં આવશે. હાલ, બેલડાંગામાં બાબરી મસ્જિદ જેવી સંરચનાના શિલાન્યાસ અને દાન અભિયાનથી આ મામલે ધાર્મિક અને રાજકીય બંને સ્તરે તણાવ વધ્યો છે.

