સાંસદના ડ્રાઈવરને 150 કરોડની જમીન કોણે ગિફ્ટ કરી? સરકાર અને તપાસ એજન્સીઓ ધંધે લાગી
Image Source: Twitter
Shiv Sena MP's driver gets 150 crore land in gift: મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગર લોકસભા બેઠકના સાંસદ સંદીપનરાવ ભૂમરેના ડ્રાઈવરના નામ પર 150 કરોડ રૂપિયાની જમીન નોંધાઈ છે. તેને ગિફ્ટ ડીડ તરીકે નોંધાવવામાં આવી છે, પરંતુ હવે તેના પર સવાલ ઉઠી રહ્યા છે કે, આખરે કેમ સાંસદના ડ્રાઈવરને આટલી મોટી રકમની જમીન ગિફ્ટ કરવામાં આવી? ડ્રાઈવરનું નસીબ રાતોરાત બદલાઈ જવાના આ મામલાએ રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા જગાવી છે. આ જમીન કોઈ સામાન્ય પરિવારની નથી પરંતુ સાલાર જંગ પરિવારની છે, જે એક સમયે હૈદરાબાદના દિવાન હતા. હવે આ કેસની તપાસ મહારાષ્ટ્રની આર્થિક ગુના શાખા દ્વારા હાથ ધરવામાં આવી છે અને તે તપાસ કરી રહી છે કે આખરે સાંસદના ડ્રાઈવરનો સાલાર જંગ પરિવાર સાથે શું સંબંધ છે.
જાણો ડ્રાઈવરે શું કહ્યું?
ડ્રાઈવર જાવેદ રસૂલ શેખ છેલ્લા 13 વર્ષથી સાંસદ સંદીપનરાવ ભૂમરે અને તેમના પુત્ર વિલાસ ભૂમરેની કાર ચલાવી રહ્યો છે. આ કેસમાં જાવેદ રસૂલ શેખનું કહેવું છે કે, હું પોલીસને સંપૂર્ણ સહયોગ કરી રહ્યો છું. એક અહેવાલ પ્રમાણે જાવેદ રસૂલે કહ્યું કે મારો સાલાર જંગ પરિવાર સાથે ખૂબ સારા સંબંધો છે. તેથી જ તેમણે મને આ જમીન ભેટમાં આપી છે. આ જમીન જાલના રોડ પર દાઉદપુરા વિસ્તારમાં છે, જે ખૂબ જ પ્રાઈમ લોકેશન છે. આવી સ્થિતિમાં સાલાર જંગ પરિવારે આ જમીન ડ્રાઈવરના નામે કેમ રજીસ્ટર કરાવી દીધી તે ચર્ચાનો વિષય છે.
ડ્રાઈવરને સમન્સ જારી કરવામાં આવ્યું
પોલીસ કમિશનર પ્રવીણ પવારનું કહેવું છે કે આ કેસમાં જાવેદને સમન્સ જારી કરવામાં આવ્યું છે. પરભણીના એક વકીલે આ ડીલ અંગે સવાલ ઉઠાવ્યા હતા અને ત્યારબાદ સમન્સ જારી કરવામાં આવ્યું છે. વકીલનું કહેવું હતું કે, આખરે આટલી મોંઘી અને પ્રાઈમ લોકેશનની જમીન કોઈ એક ડ્રાઈવરને કેમ ભેટમાં આપે? આવી સ્થિતિમાં આ ગિફ્ટ ડીડની તપાસ થવી જોઈએ. પોલીસે આ કેસમાં માહિતી એકઠી કરવા માટે સાલાર જંગ પરિવારના મીર મઝહર અલી ખાન અને અન્ય 6 સભ્યોનો સંપર્ક કર્યો છે. આ ગિફ્ટ ડીડ વિશે પરિવાર દ્વારા હજુ સુધી કોઈ વિગતો આપવામાં નથી આવી. બીજી તરફ સાંસદના પુત્ર વિલાસે આ મામલે વાંધો વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો: પાકિસ્તાન બાદ બાંગ્લાદેશનું નાક દબાવવાની તૈયારી, ગંગા જળ સમજૂતિમાં ફેરફાર ઈચ્છે છે ભારત
વિલાસ ભૂમરેએ કહ્યું કે, આ કેસ ડ્રાઈવર સાથે સંબંધિત છે, પરંતુ પોલીસ દ્વારા આ કેસમાં મારું અને મારા પિતાનું નામ બળજબરીથી ઘસેટવામાં આવી રહ્યું છે. આર્થિક ગુના શાખાની ટીમે મારી પણ પૂછપરછ કરી છે. મારું કહેવું છે કે, જાવેદ અમારો ડ્રાઈવર છે પરંતુ તેની સાથે જોડાયેલી દરેક બાબત પર અમારો કોઈ કંટ્રોલ નથી. તમને જણાવી દઈએ કે, સાલાર જંગ પરિવાર સાથે સંકળાયેલા ઘણા લોકો હૈદરાબાદના નિઝામને ત્યાં પ્રધાન તરીકે કામ કરી ચૂક્યા છે. આવી સ્થિતિમાં પરિવારના નામે મોટી માત્રામાં જમીન અને અન્ય સંસ્થાઓ છે.