VIDEO: ભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન અને રહીમયાર ખાન એરબેઝ તબાહ, જુઓ વીડિયો
Pakistan Noorkhan Airbase Destroyed: પહલગામમાં થયેલા આતંકી હુમલા પછી ભારત સરકારે 7 મેના રોજ 'ઓપરેશન સિંદૂર' હાથ ધરીને પાકિસ્તાન સામે જવાબી કાર્યવાહી કરી હતી. એર માર્શલ એ.કે. ભારતીએ 'ઓપરેશન સિંદૂર' આતંકવાદ વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમજ ભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન અને રહીમયાર ખાન એરબેઝ કેવી રીતે તબાહ કરાયા તે પણ જણાવ્યું હતું.
આપણી એર ડિફેન્સ સિસ્ટમ દિવાલની જેમ ઉભી હતી: એર માર્શલ એ.કે. ભારતી
એર માર્શલ એ.કે. ભારતીએ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન 'ઓપરેશન સિંદૂર'માં ભારતની એર ડિફેન્સ સિસ્ટમ કરી રીતે કામ કરી રહી હતી તે અંગે દરેક માહિતી આપી. તેમણે કહ્યું કે, 'અમારી લડાઈ આતંકવાદ અને આતંકવાદીઓ સામે છે. એટલા માટે 7 મેના રોજ અમે ફક્ત આતંકવાદી ઠેકાણાં પર જ હુમલો કર્યો. પરંતુ, દુઃખદ વાત એ છે કે પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓને ટેકો આપવાનું યોગ્ય માન્યું. આ લડાઈને પોતાના દેશની લડાઈ બનાવી દીધી. આ પછી અમે બદલો લીધો. આમાં તેને જે કંઈ નુકસાન થયું, તેના માટે તે પોતે જ જવાબદાર હતું. આપણી એર ડિફેન્સ સિસ્ટમ દિવાલની જેમ ઉભી હતી. દુશ્મન માટે તેમાં પ્રવેશ કરવો અશક્ય હતો.'
આ ઓપરેશન વિષે વધુ જાણકારી આપતા તેમણે કહ્યું કે, 'આ ઓપરેશનમાં સ્વદેશી આકાશ સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના દ્વારા પાકિસ્તાનની ચીની મૂળની મિસાઇલ PL-15 પણ તોડી પાડવામાં આવી હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં આતંકવાદી પ્રવૃત્તિઓની પેટર્નમાં ફેરફાર થયો છે. સૈન્યની સાથે, નિર્દોષ લોકો પર પણ હુમલા થઈ રહ્યા હતા. તેમના પાપનો ઘડો પહલગામ પહોચ્યો ત્યાં સુધીમાં ભરાઈ ગયો હતો.'
ભારતના હુમલામાં પાકિસ્તાનના નૂરખાન એરબેઝ તબાહ
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે, ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન વાયુસેનાના નૂર ખાન એરબેઝને નિશાન બનાવ્યું અને તે ધ્વસ્ત થયું. ભારતે બ્રહ્મોસ, હેમર અને સ્કેલ્પ મિસાઇલોનો ઉપયોગ કરીને 10 પાકિસ્તાની એરબેઝને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી. આ કાર્યવાહીથી પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ સર્જાયું.
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદથી માત્ર 10 કિલોમીટર દૂર સ્થિત નૂર ખાન એરબેઝ એક અત્યંત સંવેદનશીલ અને વ્યૂહાત્મક લશ્કરી સંકુલ તરીકે સેવા આપે છે. આ એરબેઝ પૂર્વ બેનઝીર ભુટ્ટો આંતરરાષ્ટ્રીય એરપોર્ટની બાજુમાં આવેલું છે અને અગાઉ RAF સ્ટેશન ચકલાલા તરીકે જાણીતું હતું.
નૂર ખાન એરબેઝ એ જગ્યા છે જ્યાં પાકિસ્તાન વાયુસેના તેના ફાઇટર જેટને રિફ્યુઅલ કરે છે, વિમાનોનું સમારકામ કરવામાં આવે છે, અહીંથી પાકિસ્તાનના VVIP નેતાઓ તેમના વિદેશ પ્રવાસ માટે તેનો ઉપયોગ કરે છે અને આ એરબેઝ પર ભારતે ભયાનક હુમલો કર્યો હતો. આનાથી પાકિસ્તાની સેના અંદરથી હચમચી ગઈ. આ ઉપરાંત, આ જ કેમ્પસમાં PAF કોલેજ ચકલાલા પણ આવેલી છે જે સંભવિત વાયુસેના અધિકારીઓ માટે એક અગ્રણી તાલીમ કેન્દ્ર તરીકે સેવા આપે છે.
સૌથી વધુ નુકસાન રહીમયાર ખાન એરબેઝને થયું હતું
ભારતીય વાયુસેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ અનેક મુખ્ય પાકિસ્તાની લશ્કરી એરબેઝને નિશાન બનાવ્યા. જેમ સૌથી વધુ નુકસાન રહીમયાર ખાન એરબેઝને થયું હતું, જેને શેખ ઝાયેદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એરબેઝ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સ્થિત છે અને તેનો ઉપયોગ લશ્કરી અને નાગરિક બંને હેતુઓ માટે થાય છે.
ભારત દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલામાં આ એરબેઝનો રનવે સંપૂર્ણપણે નાશ પામ્યો હતો અને તેના એર ટ્રાફિક કંટ્રોલ ટાવર, હેંગર, રડાર યુનિટ સહિત અનેક મહત્ત્વપૂર્ણ માળખાને ભારે નુકસાન થયું હતું. તેમજ સૂત્રોના જણાવ્યા અનુસાર, હુમલા બાદ પાકિસ્તાને આ એરબેઝને 8 દિવસ માટે અસ્થાયી રૂપે બંધ કરી દીધું હતું અને ત્યાં 'વર્ક ઇન પ્રોગ્રેસ'નું બોર્ડ લગાવીને હુમલાનો કાટમાળ દૂર કરવાનું અને રનવેનું સમારકામ કરવાનું કામ કરી રહ્યું છે.