એક સમયે સાયકલ પર વીંટીઓ વેચતો હતો છાંગુર બાબા, જાણો કેવી રીતે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કર્યું
Chhangur Baba : એક સમયે સાયકલ પર શેરીએ શેરીએ ફરીને વીંટીઓ વેચતા છાંગુર બાબા થોડા જ સમયમાં કરોડોના સામ્રાજ્યનો માલિક કેવી રીતે બની ગયો? આ વાત આપણે તો શું પણ બલરામપુરના લોકો પણ હજુ સુધી સમજી શકતા નથી. ધર્માંતરણના આરોપમાં ધરપકડ કરવામાં આવ્યા બાદ જ્યારે છાંગુર બાબાની આલીશાન હવેલી અને તેની વૈભવી સુવિધાઓનું રહસ્ય ખુલ્યું, ત્યારે ખૂદ અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા હતા.
હવેલીમાંથી ધર્માંતરણના અનેક પુરાવા મળી આવ્યા
બલરામપુરની હવેલીમાંથી જે સબૂતો મળ્યા તે મોટા ધર્માંતરણ નેટવર્ક તરફનો ઈશારો કરી રહ્યા છે. એક સ્થાનિક વડીલના કહેવા પ્રમાણે છાંગુર બાબા શેરી-શેરીએ ફરીને વીંટીઓ વેચતા હતા. એ પછી તેઓ એકવાર મુંબઈ ગયા અને પાછા ફર્યા પછી તેમનું નસીબ બદલાઈ ગયું હતું. છાંગુર બાબાએ બલરામપુરમાં બનાવેલી હવેલી કોઈ કિલ્લાથી ઓછી નથી. ઊંચી દિવાલો, દિવાલો પર કાંટાળી તાર વહેતા ચાલુ કરંટ અને અંદર 18 થી 20 રૂમની મહેલ જેવી હવેલી - આ બધું જોઈને સ્થાનિક લોકોની આંખો પણ પહોળી થઈ ગઈ હતી. સીસીટીવી લગાવનાર એક ટેકનિશિયને કહ્યું કે, બાબાએ તેમને માત્ર એક જ ભાગમાં કેમેરા લગાવવા કહ્યું હતું અને તેના માટે તેમણે 3 લાખ રૂપિયાથી વધુ ચૂકવ્યા હતા. તેમજ તેને આખું ઘર જોવાની મંજૂરી નહોતી, પરંતુ અંદરની સજાવટ જોઈને તે પણ દંગ રહી ગયા.
ઉર્દૂ અને 'કલાવા' માં લખેલા પુસ્તકો પણ મળી આવ્યા
જ્યારે છાંગુર બાબાની હવેલીની અંદર ફ્લેટની જેમ 2BHK શૈલીના રૂમ ફ્લેટ જેવા બનાવવામાં આવ્યા હતા, જેમાં વૈભવી પલંગ, રસોડું અને અન્ય કેટલીક વૈભવી સુવિધાઓ હતી. ત્યાંથી ઉર્દૂ અને 'કલાવા' માં લખેલા પુસ્તકો પણ મળી આવ્યા હતા. જે દર્શાવે છે કે, ધર્માંતરણ દરમિયાન પીડિતોને છેતરીને ફસાવવામાં આવતાં હતા.
હવેલીમાં જર્મન શેફર્ડ, બ્લેક ડોગ અને બુલડોગ જેવા વિદેશી કુતરા
ધાર્મિક રંગોથી રંગવામાં આવેલી હવેલીની અંદર, જર્મન શેફર્ડ, બ્લેક ડોગ અને બુલડોગ જેવા વિદેશી જાતિના કુતરા હતા, તેમજ ઘોડાઓ માટે માર્બલથી શણગારેલો તબેલા જોવા મળ્યા હતા. બલરામપુર ઉપરાંત તેમની પાસે લખનઉમાં પણ એક વૈભવી હવેલી પણ છે, જ્યાં ઘણા વિદેશી પ્રોડેક્ટ સાથે ગુપ્ત સીસીટીવી મળી આવ્યા છે. હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જે વ્યક્તિ એક સમયે સાયકલ પર વીંટીઓ વેચતો હતો તે અચાનક આટલા કરોડોની મિલકતનો માલિક કેવી રીતે બન્યો? મુંબઈથી પાછા ફર્યા પછી, શું તે ધર્માંતરણમાં સામેલ એવા નેટવર્કના સંપર્કમાં આવ્યો? ATS આ સમગ્ર કેસના સ્તરોને ઉજાગર કરવામાં વ્યસ્ત છે.
ગેરકાયદેસર ઉભી કરેલી મિલકતો પર બુલડોઝર ફેરવી દીધુ
ધર્માંતરણ રેકેટના મુખ્ય સૂત્રધાર છાંગુર બાબાની ધરપકડ બાદ વહીવટીતંત્ર અને પોલીસે તેની પર સકંજો કડક કરવાનું શરૂ કરી દીધું છે. મંગળવારે બલરામપુર જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે છાંગુર બાબા અને તેની ગેંગના સભ્યોએ સરકારી જમીન પર ગેરકાયદેસર ઉભી કરેલી મિલકતો પર બુલડોઝર ફેરવી દીધુ હતું.
આરોપીઓની મિલકતો જપ્ત કરીને કાર્યવાહી કરાશે: યોગી
આ મામલે મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે, 'પ્રાથમિક તપાસમાં સ્પષ્ટ થાય છે કે, આરોપીઓની પ્રવૃત્તિઓ માત્ર સમાજ વિરોધી જ નહીં, પરંતુ રાષ્ટ્ર વિરોધી પણ છે. આવા આરોપીઓની મિલકતો જપ્ત કરવામાં આવશે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.'
છાંગુર બાબા વિરુદ્ધ પહેલાથી જ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાયું હતું
ઉલ્લેખનીય છે કે, છાંગુર બાબા અને તેની સહયોગી નીતુ ઉર્ફે નસરીનને શનિવારે ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. બંને બલરામપુરના માધપુરના રહેવાસી છે. છાંગુર બાબા વિરુદ્ધ પહેલાથી જ બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું અને તેના પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. કોર્ટમાં રજૂ કર્યા બાદ બંનેને રિમાન્ડ પર લેવામાં આવ્યા હતા અને લખનઉ જિલ્લા જેલમાં મોકલવામાં આવ્યા હતા.
આ અગાઉ, આ જ કેસમાં 8 એપ્રિલના રોજ બે વધુ આરોપી જમાલુદ્દીન અને જલાલુદ્દીનના પુત્ર મહેબૂબની ધરપકડ કરવામાં આવી હતી. બંને બલરામપુરના રહેવાસી છે અને હાલમાં લખનઉ જિલ્લા જેલમાં બંધ છે.