VIDEO: 'નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ', અમિત શાહનું નિવેદન
Home Minister Amit Shah : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બુધવારે આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ નિમિત્તે ગુજરાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના સહકારી ક્ષેત્રની મહિલાઓ અને અન્ય સહકારી કાર્યકરો સાથે સંવાદ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની સરકારમાં સહકારી ક્ષેત્ર મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક મજબૂત માધ્યમ બન્યું છે.
એક સમયે બનાસકાંઠામાં પાણીની અછત હતી : અમિત શાહ
અમિત શાહે કાર્યક્રમમાં બનાસકાંઠાનો ઉલ્લેખ કરી કહ્યું કે, ‘જ્યારે મારો જન્મ થયો ત્યારે બનાસકાંઠાના લોકોને અઠવાડિયામાં ફક્ત એક જ વાર નહાવા માટે પાણી મળતું હતું. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના લોકો કદાચ આ વાતથી વાકેફ નહીં હોય, પરંતુ બનાસકાંઠા અને કચ્છ ગુજરાતના સૌથી વધુ પાણીની અછત ધરાવતા જિલ્લાઓમાંના એક હતા. આજે એક પરિવાર ફક્ત દૂધ ઉત્પાદનમાંથી વાર્ષિક એક કરોડ રૂપિયાની કમાણી કરે છે, જે એક મોટો ફેરફાર છે.’
‘નિવૃત્તિ બાદ હું મારું જીવન વેદો, ઉપનિષદો અને પ્રાકૃતિક ખેતીને સમર્પિત કરીશ’
તેમણે વધુમાં કહ્યું કે, ‘મેં નિર્ણય કર્યો છે કે, નિવૃત્તિ બાદ હું મારું બાકીનું જીવન વેદ, ઉપનિષદ અને પ્રાકૃતિક ખેતીના અભ્યાસમાં સમર્પિત કરી દઈશ. પ્રાકૃતિક ખેતી એક વૈજ્ઞાનિક પ્રયોગ છે, જેના અનેક ફાયદા છે. જેમ કે, રાસાયણિક ખાતરોથી ઉગાડેલા ઘઉં ક્યારેક કેન્સર, હાઇ બીપી, ડાયાબિટીસ અને થાઇરોઇડને લગતી આરોગ્યની સમસ્યાઓ સર્જે છે, જ્યારે પ્રાકૃતિક ખેતી શરીરને રોગમુક્ત રાખવાની સાથે કૃષિ ઉત્પાદકતા પણ વધારે છે.
આ પણ વાંચો : મને તો નોબલ પુરસ્કાર મળવો જોઈએ... દિલ્હીમાં સુશાસન કરવા બદલ કેજરીવાલની માગ
શાહે ઉપસ્થિત લોકોના પ્રશ્નોનો જવાબ પણ આપ્યો
ગૃહ મંત્રીએ સંબોધનમાં કહ્યું કે, ‘સહકાર મંત્રાલય વડાપ્રધાન મોદીના ‘સહકાર સે સ્મૃદ્ધિ’ના વિઝન મુજબ ખેડૂતોને સશક્ત બનાવીને, ગ્રામીણ અર્થતંત્રની સાથે દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવી રહ્યું છે.’ આ દરમિયાન અમિત શાહે ત્યાં હાજર લોકોના પ્રશ્નોનો પણ જવાબ આપ્યો હતો. એક વ્યક્તિના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, ‘અમે પ્રાથમિક કૃષિ સહકારી મંડળીઓ (PACS) માટે લગભગ 25 નાના વ્યવસાય મોડેલ ઓળખ્યા છે. બધા PACSએ તેમને વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડીને સમૃદ્ધ બનાવવા માટે કામ કરવું જોઈએ.’