Indian Currency: હાલના ડિજિટલ યુગમાં ભલે નોટનું ચલણ ઘટ્યું હોય પણ ભારતીય નોટ પર છપાતી મહાત્મા ગાંધીના હસતાં ચહેરાવાળી તસવીરનું એટલું જ મહાત્મ્ય છે. દરેક ભારતીય ગાંધીજીની એ તસવીરથી નોટને ઓળખે છે. પણ ઘણા ઓછા લોકો છે જે જાણે છે કે ભારતને જ્યારે આઝાદી મળી તે બાદ ઘણા વર્ષો સુધી મહાત્મા ગાંધીની તસવીર નોટ પર છપાતી ન હતી. તે વખતે બ્રિટિશ રાજા કિંગ જોર્જ છઠ્ઠાની તસવીરનું ચલણ પર રાજ હતું. ત્યારે સૌ પ્રથમ ક્યારે અને કેવી રીતે મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી, ઉપરાંત આ તસવીર કોણે લીધી હતી તેવી અનેક રસપ્રદ વિગતો અંગે વાત કરીએ.
ગાંધીજીની તસવીર પહેલા અશોક સ્તંભનો ફોટો હતો
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આઝાદીના 49 વર્ષો સુધી કાયમી ધોરણે ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવતી ન હતી, 1949માં ભારત સરકારે પહેલી વાર એક રુપિયાની નોટની ડિઝાઈન કરી હતી જેમાં અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવતો હતો. વર્ષ 1969માં પહેલીવાર ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છપાઈ હતી.
1949 સુધી નોટ પર કિંગ જ્યોર્જની તસવીર છપાતી હતી
15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ તો થઈ ગયો, પરંતુ તેના બે વર્ષ પછી પણ આઝાદ ભારતની ચલણી નોટમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. વર્ષ 1949 સુધી નોટ પર બ્રિટનના રાજા કિંગ જ્યોર્જ (છઠ્ઠા)ની તસવીર છાપવામાં આવતી હતી. 1949માં ભારત સરકારે પહેલી વાર એક રુપિયાની નોટની ડિઝાઈન કરી હતી અને તેમા કિંગ જોર્જની જગ્યા પર અશોક સ્તંભનો ફોટો છાપવામાં આવ્યો હતો.
1950 માં સરકારે 2, 5, 10 અને 100 રુપિયાની નોટ છાપી હતી, આ નોટો પર અશોક સ્તંભની તસવીર છાપવામાં આવી હતી. તેના પછી કેટલાક વર્ષો સુધી ભારતીય ચલણી નોટો પર અશોક સ્તંભ સાથે અલગ- અલગ તસવીરો છાપવામાં આવતી હતી. જેમકે - આર્યભટ્ટ સેટેલાઈટથી લઈને કોણાર્કના સુર્યમંદિર અને ભારતીય ખેડુતો વગેરે તસવીરો છાપવામાં આવતી હતી.
પહેલીવાર ભારતીય ચલણી નોટ પર ક્યારે મહાત્મા ગાંધીની તસવીર છપાઈ
વર્ષ 1969માં પહેલીવાર ભારતીય ચલણી નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી. તે વર્ષે મહાત્મા ગાંધીની 100મી જન્મ જયંતી હતી તેને ધ્યાનમાં રાખીને ખાસ સીરીઝ જાહેર કરવામાં આવી હતી. આ સીરીઝની નોટમાં મહાત્મા ગાંધીના સેવાગ્રામ આશ્રમની તસવીર પણ છાપવામાં આવી હતી. ત્યાર બાદ વર્ષ 1987માં બીજીવાર 500 રુપિયાની નોટ પર મહાત્મા ગાંધીની તસવીર છાપવામાં આવી હતી.
1996માં RBIએ મહાત્મા ગાંધીની તસવીરને કાયમી માટે સ્થાન અપાયું
વર્ષ 1995માં ભારતીય રિઝર્વ બેંકે ભારતીય ચલણી નોટ પર કાયમી ધોરણે મહાત્મા ગાંધીની તસવીર છાપવા માટે કેન્દ્ર સરકાર પાસે રજુઆત કરી હતી. જેમા સરકારની મંજુરી બાદ વર્ષ 1996માં નોટ પર અશોક સ્તંભની જગ્યા પર મહાત્મા ગાંધીની તસવીર છપાવા લાગી. જો કે ત્યારે પણ અશોક સ્તંભને નોટ પરથી સંપુર્ણ રીતે હટાવવામાં નહોતો આવ્યો, પરંતુ કેટલીકવાર નાના કદમાં અશોક સ્તંભ જોવા મળતો હતો. એ બાદ વર્ષ 2016માં રિઝર્વ બેંકે મહાત્મા ગાંધીની તસવીરવાળી નોટોની એક સીરિઝ લોન્ચ કરી હતી, જેમા નોટ પર મહાત્મા ગાંધીની તસવીર સાથે સાથે બીજી બાજુ 'સ્વચ્છ ભારત અભિયાન' નો લોગો પણ છાપવામાં આવ્યો હતો.
નોટ પર દેખાતી ગાંધીજીની તસવીર ક્યાંની છે?
ભારતીય રુપિયા પર મહાત્મા ગાંધીની જે તસવીર જોવા મળે છે તે કોઈ કેરીકેચર અથવા ઈલેસ્ટ્રેશન નથી, પરંતુ એક ઓરિજનલ ફોટોનો કટ આઉટ છે. આ તસવીર વર્ષ 1946માં કોલકતાના વાયસરોય હાઉસમાં લેવામાં આવ્યો હતો. ત્યારે મહાત્મા ગાંધી લોર્ડ ફ્રેડરિક વિલિયમ પેથિક લોરેંસને મળવા આવ્યા હતા.
નોટ પર જે તસવીર છે તે કોણે લીધી હતી..?
હાલમાં ભારતીય નોટ પર છપાતી ગાંધીજીની તસવીર કોઈ પેઇન્ટિંગ કે સ્કેચ નથી પણ 1946માં લેવામાં આવેલા અસલી ફોટોગ્રાફનું કટ આઉટ છે. હેનરી કાર્ટિયરથી લઈને માર્ગ્રેટ બોર્ક વ્હાઈટ અને મેક્સ ડેસ્ફરજેવા દુનિયાના વિખ્ચાત ફોટોગ્રાફર્સે મહાત્મા ગાંધીની તસવીર લીધી હતી. પરંતુ ચલણી નોટ પર જે તસવીર જોવા મળે છે તે તસવીર કોણે લીધી છે તે હજુ સુધી કોઈની પાસે જાણકારી નથી. આ ઉપરાંત હજુ સુધી એ પણ જાણકારી નથી કે આ ફોટો કોણે પસંદ કર્યો હતો. પણ મહાત્મા ગાંધી સત્ય, અહિંસા અને એકતાના પ્રતિક છે, માટે તેમની તસવીર ભારતીય ચલણમાં પ્રમુખ ચહેરા તરીકે રાખવામાં આવે છે.


