મેઘરાજાના રૌદ્ર રૂપના કારણે રૂ.1000 કરોડના રસ્તા ધોવાયા; 4 લેન હાઇવે 'લુપ્ત', ટોલ પ્લાઝાની ઉપરથી વહી રહી છે નદી
Himachal Pradesh Flood : હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ(NHAI)ની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનું અસ્તિત્વ ગુમ થઈ ગયું છે અને હવે તેનું નવેસરથી નિર્માણ કરવું પડશે.
1000 કરોડના રસ્તા ધોવાયા
વરસાદ અને ભૂસ્ખલનના કારણે NHAIને અત્યાર સુધીમાં 1000 કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે, જે 2023ની આપત્તિની તુલનામાં ચાર ગણું વધારે છે. સોમવારે મોડી રાત્રે બિયાસ નદીમાં પૂર આવ્યું છે, જેના લીધે કુલ્લુથી મનાલી સુધીનો માર્ગ વચ્ચે છ સ્થળો ગંભીર રીતે નુકસાન પામ્યા છે. આ નુકસાન એટલું ગંભીર છે કે, ત્યાં સુધી મશીનરી પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ છે.
યુદ્ધના ધોરણે માર્ગો બનાવવા 20 મશીનો કામે લગાડાયા
બિંદુ ઢાંક ખાતેના માર્ગનું નામોનિશાન રહ્યું નથી. આ ઉપરાંત રાયસન, મનાલીમાં લક્ઝરી બસ સ્ટેન્ડ અને ડોહલૂ ટોલ બેરિયર પાસે પણ રોડનો મોટો ભાગ પાણીમાં તણાઈ ગયો છે. આ તમામ સ્થળોએ તાત્કાલીક કામ કરવા માટે મશીનો પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. માર્ગ ફરી શરુ કરવા માટે એનએચએઆઇએ તાત્કાલિક 20 મશીનો કામે લગાવ્યા છે. ઝલોગીમાં માર્ગનો એક મોટો ભાગ જમીનમાં ધસી ગયો છે, જ્યારે દવાડામાં બિયાસ નદીના પાણી માર્ગ પર ફરી વળતા ભારે નુકસાન થયું છે. આ સ્થળોએ મશીનોની મદદથી મોટા પહાડો તોડવામાં આવી રહી છે, જેથી માર્ગનું કામ ઝડપથી આગળ વધી શકે.
પાંડોહ-ટકોલીમાં 30 મશીનોથી કામ શરુ
જો હવામાન સાનુકૂળ રહેશે, તો ગુરુવારે બપોર પછી સુધીમાં માર્ગ બની જવાની આશા છે. છેલ્લા બે દિવસથી પાંડોહથી ઔટ વચ્ચે સેંકડો વાહનો અને લોકો ફસાયેલા છે. પાંડોહ-ટકોલી સેક્શનમાં પણ માર્ગની મરામત માટે 30થી વધુ મશીનો કાર્યરત છે. એનએચએઆઇના વરિષ્ઠ અધિકારીઓ અને ઇજનેરો સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. NHAI મંડીના પ્રોજેક્ટ ડાયરેક્ટર વરુણ ચારીના જણાવ્યા અનુસાર, માર્ગો ફરી શરુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવાઈ છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ વખતે નુકસાન ઘણું વધારે થયું છે.
આ પણ વાંચો : ટ્રમ્પની અમેરિકા સહિત વિશ્વભરમાં ફજેતી, જાણો ટેરિફ મામલે શું કહે છે ‘વર્લ્ડ મીડિયા’