Get The App

હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
હિમાચલના ચંબામાં ફરી આભ ફાટ્યું, મકાન ધરાશાયી થતાં બેના મોત, ભૂસ્ખલન થતાં 39 માર્ગો બંધ 1 - image


Heavy Rainfall In Himachal Pradesh: હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં રવિવાર (20મી જુલાઈ) રાત્રે શરુ થયેલા મુશળધાર વરસાદ બાદ આભ ફાટવાની સ્થિતિ સર્જાતાં જનજીવન પ્રભાવિત થયું છે. ચંબાના અનેક વિસ્તારમાં ભારે પાણી ભરાઈ જવા અને ભૂસ્ખલનને કારણે કુલ 39 રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. આ ઉપરાંત પાવર ટ્રાન્સફોર્મર બંધ કરાતા ઘણાં વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે, જેના કારણે સામાન્ય લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



ભારે વરસાદના કારણે અનેક ઘરોને નુકસાન

અહેવાલો અનુસાર, ચંબામાં ભારે વરસાદને કારણે અનેક ઘરોને નુકસાન થયું છે, જેમાં એક કાચું ઘર ધરાશાયી થયું છે અને બે પાકા ઘરોને આંશિક નુકસાન થયું છે. સૌથી દુ:ખદ ઘટના મૈહલા વિસ્તારમાંથી સામે આવી છે, જ્યાં ભૂસ્ખલનને કારણે એક ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં એક પુરુષ અને એક મહિલાનું મૃત્યુ થયું છે. બંને મૃતદેહને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મેડિકલ કૉલેજ ચંબા મોકલવામાં આવ્યા છે. જંગરા વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટના બની છે, જેના કારણે મકાઈના પાકને નુકસાન થયું છે. નોંધનીય છે કે, તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહતની કામગીરી શરુ કરાઈ છે.





પીવાની પાણીની તંગી સર્જાઈ

વરસાદને કારણે પીવાના પાણીની 62 યોજનાઓ પ્રભાવિત થઈ છે, જેના કારણે હજારો લોકોને પીવાના પાણીની તંગી સર્જાઈ છે. વહીવટીતંત્રે આ વિસ્તારોમાં પાણી પુરવઠો ફરી શરુ કરવા માટે તાત્કાલિક પગલાં લેવાનું શરુ કર્યું છે.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર ટાયર ફાટતાં એર ઈન્ડિયાનું વિમાન લપસ્યું, એન્જિનને નુકસાનના અહેવાલ

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગ અનુસાર, હિમાચલ પ્રદેશના સાત જિલ્લાઓમાં સોમવારે (21મી જુલાઈ) વરસાદનું ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ઉના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, મંડી, સોલન અને સિરમૌરમાં ઑરેન્જ ઍલર્ટ અને ચંબા, કુલ્લુ અને શિમલા માટે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે મંગળવાર (22મી જુલાઈ) સોલન, સિરમૌર અને બુધવારે (23મી જુલાઈ) ઉના અને બિલાસપુરમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઑરેન્જ ઍલર્ટ રહેશે.

Tags :