VIDEO : હિમાચલ પર ફરી આફત : ભારે વરસાદ-ભૂસ્ખલનથી 4 હાઈવે-449 રસ્તા બંધ, 11 ઓગસ્ટ સુધી યલ્લો એલર્ટ
Himachal Heavy Rain Forecast : હિમાચલ પ્રદેશ ફરી વરસાદી આફત અને ભૂસ્ખલનની ઘટનાઓનો સામનો કરી રહ્યો છે. અહીં સતત બે દિવસથી મૂશળધાર વરસાદ વચ્ચે ભૂસ્ખનની ઘટના બની છે, જેના કારણે ચાર નેસનલ હાઈવે અને 449 રસ્તાઓ બંધ થઈ જતા અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગે રાજ્ય માટે 11 ઓગસ્ટ સુધી વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.
નદીઓના જળસ્તરમાં વધારો, તંત્ર એલર્ટ પર
હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યા બાદ રાજ્યમાં બે દિવસથી મૂશળધાર વરસાદ પડતા સૌથી વધુ મંડી સહિત અનેક જિલ્લાના લોકોને પરેશાનીનો સામનો કરી રહ્યા છે. અહીં અનેક નદીઓના જળસ્તરમાં વધારો થયો છે, જેના કારણે તંત્ર લોકોને સાવધાન રહેવાની અને આદેશનું પાલન કરવાની અપીલ કરી રહ્યા છે. ભારે વરસાદના પગલે રાજ્યમાં અનેક સ્કૂલો અને દુકાનો બંધ છે. વરસાદના કારણે કોલ ડેમનું જળસ્તર વધ્યું છે, જોકે ડેમ તંત્રએ વધારાનું પાણી છોડવાની પણ તૈયારી દર્શાવી છે. વ્યાસ નદીના જળસ્તરમાં પણ વધારો થયો છે, જેના કારણે પંડોહ ડેમના દરવાજામાંથી વધારાનું પાણી છોડવાની પણ તૈયારી શરૂ કરી દેવાઈ છે. વરસાદની સૌથી વધુ અસર ફરી મંડી જિલ્લામાં થઈ છે અને અહીંનું સરાજ વિસ્તાર જળબંબાકાર થઈ ગયું છે.
11 ઓગસ્ટ સુધી એલર્ટ
હવામાન વિભાગે 6થી 11 ઓગસ્ટ દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં સતત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. બીજીતરફ ભરમૌરના બલોઠ પંચાયતમાં ભૂસ્ખલન થવાની ઘટના બની છે, જેના કારણે એક ડઝનથી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયો છે. રાજધાની શિમલામાં પણ બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે અહીંનું જનજીવન પ્રભાવિત થયું છે.
ચાર નેશનલ હાઈવે, 449 રસ્તા બંધ
રાજ્યના ઈમરજન્સી કેન્દ્રના જણાવ્યા મુજબ, ભારે વરસાદ અને ભૂસ્ખનના કારણે મંગળવારે સવારે ચાર નેશનલ હાઈવે અને 449 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. સૌથી વધુ મંડીમાં ત્રણ નેશનલ હાઈવે બંધ કરાયા છે. મંડીના 656 સહિત રાજ્યમાં 783 ટ્રાન્સફોર્મર બંધ થઈ ગયા છે. વરસાદી કહેરના કારણે અત્યાર સુધીમાં ભારે જાનમાલને નુકસાન થયું છે. રિપોર્ટ મુજબ, રાજ્યમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 192 લોકોના મોત થયા છે, જેમાંથી સૌથી વધુ મંડીમાં 42 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ભારે વરસાદ અને ભૂસ્ખનની વિવિધ ઘટનાઓના કારણે રાજ્યમાં કુલ 1692 મકાનોને નુકસાન થયું છે, જેમાંથી 464 ઘરો સંપૂર્ણ ધરાશાઈ થઈ ગયા છે. રાજ્ય સરકારના આંકલન મુજબ રાજ્યમાં કુલ 1753 કરોડ રૂપિયાનું નુકસાન થઈ ચુક્યું છે. વર્તમાનમાં વરસાદની સ્થિતિ જોતા આગામી સમયમાં રાજ્યમાં વધુ નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.