મુંબઈમાં જયશંકર-રુબિયો વચ્ચે હાઈ-પ્રોફાઈલ બેઠક: ભારત-US ટ્રેડ ડીલ પર અમેરિકાના વિદેશ મંત્રીનું મોટું નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Marco Rubio India Visit : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો પત્ની સાથે બે દિવસના ભારત પ્રવાસે આવ્યા છે. મુંબઈમાં તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મહત્વપૂર્ણ મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે ભારત અને અમેરિકાના સંબંધો, દ્વિપક્ષીય વેપાર તેમજ પ્રસ્તાવિત ટ્રેડ ડીલ અંગે વિગતવાર ચર્ચા થઈ હતી.
ભારત અમેરિકાનો અત્યંત મહત્વનો સાથી : માર્કો રૂબિયો
રુબિયોએ ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લીધા બાદ 26/11ના આતંકી હુમલાના પીડિતોને શ્રદ્ધાંજલિ અર્પવા તાજ મેમોરિયલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે પત્રકારો સાથે વાતચીતમાં ભારતને અમેરિકાનો અત્યંત મહત્વનો સાથી ગણાવ્યો હતો.

ભારત અમેરિકાનો અહમ વાણિજ્યિક અને વ્યાવસાયિક ભાગીદાર
તાજ મેમોરિયલમાં પત્રકારો સાથે વાત કરતા માર્કો રુબિયોએ કહ્યું કે, ‘સૌથી પહેલા તો હું એ યાદ અપાવવા માંગીશ કે ભારતના વિદેશ મંત્રી 4 વખત અમેરિકા આવી ચૂક્યા છે. આ વિશ્વની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે અને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. ભારત અમેરિકાનો એક મહત્વપૂર્ણ વાણિજ્યિક અને વ્યાવસાયિક ભાગીદાર છે. અમે સાથે મળીને ઘણો બધો સંરક્ષણ સહયોગ પણ કરીએ છીએ.’
બંને દેશો વચ્ચે નિયમિત વાટાઘાટો જરૂરી
ભારત પ્રવાસ અંગે વાત કરતા તેમણે કહ્યું કે, ‘ભારત CWAનું એક અહમ સભ્ય અને એક મજબૂત વ્યૂહાત્મક ભાગીદાર છે. તેથી મને નથી લાગતું કે આ પ્રવાસો વધુ પડતા છે, બલ્કે મને લાગે છે કે આવી વાતચીત વધુ થવી જોઈએ. અમારા વાણિજ્ય સચિવ, FBI ડાયરેક્ટર, ઉપરાષ્ટ્રપતિ અને એટર્ની જનરલ પણ અહીં આવી ચૂક્યા છે. અમારા માટે ભારત અત્યંત મહત્વપૂર્ણ ભાગીદાર છે.’

ટ્રેડ ડીલ અંગે ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની આશા
ભારત અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત વેપાર સમજૂતી પર તેમણે કહ્યું કે, ‘જ્યાં સુધી વેપાર સમજૂતીનો પ્રશ્ન છે, જોકે વિદેશ વિભાગ સીધો વેપાર સમજૂતીઓ પર વાટાઘાટો કરતો નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે પણ મારો તેમાં ઊંડો રસ રહ્યો છે. હું કહીશ કે આપણે તેની એકદમ નજીક છીએ, જેટલું કોઈ સમજૂતી લાગુ કરવાની નજીક પહોંચી શકાય. બસ કેટલાક નાના-મોટા મુદ્દાઓ જ બાકી રહ્યા છે જેને પૂરા કરવાના છે.’
‘ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં નક્કર સમજૂતી થશે’
તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘અમને આશા છે કે ટૂંક સમયમાં અમારી પાસે જાહેરાત કરવા માટે કોઈ સારા સમાચાર હશે અને ત્યાર પછી તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. અમને પૂરી આશા છે કે ખૂબ જ જલ્દી આપણી પાસે એક નક્કર સમજૂતી અમલમાં હશે.’
ગુજરાતના જામનગરની લેશે મુલાકાત
મુંબઈ પ્રવાસ પૂર્ણ કર્યા બાદ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો ગુજરાતના જામનગર પહોંચશે. અહીં તેઓ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની વિશ્વની સૌથી મોટી ઓઇલ રિફાઇનરીની રૂબરૂ મુલાકાત લેશે.




