વડાપ્રધાન મોદીની વધુ એક હાઈ લેવલ મિટિંગ, આર્મી ચીફ, NSA અને વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત
Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરના પહલગામ આતંકી હુમલામાં 26 નિર્દોષ નાગરિકાનો મોત થયા હતા. આતંકી હુમલાને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સરકારે પાકિસ્તાન વિરોધી કેટલાક પગલા લીધા છે. તેવામાં પાકિસ્તાન વિરૂદ્ધ એક્શન લેવાની સંભાવના વચ્ચે ભારતીય સેનાના અધ્યક્ષ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે 7 લોક કલ્યાણ માર્ગ પર તેમના આવાસ ખાતે મુલાકાત કરી છે. વડાપ્રધાન સાથેની આ બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હોવાનું સામે આવ્યું છે.
અગાઉ 90 મિનિટ ચાલી હતી બેઠક
વડાપ્રધાન મોદી સાથે બેઠક પૂર્ણ થતાં આર્મી ચીફ સહિત વિદેશન મંત્રી પરત ફર્યા હતા. તમને જણાવી દઈએ કે, અગાઉ મંગળવારે એક હાઈ લેવલની બેઠક યોજાઈ હતી. 90 મિનિટ ચાલેલી બેઠકમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ, ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ અને ત્રણેય સેનાઓના વડાઓ - આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, નેવી ચીફ એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી અને એર ચીફ માર્શલ અમર પ્રીત સિંહ બેઠકમાં હાજર રહ્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલાનો જવાબ આપવા માટે વડાપ્રધાન મોદીએ સેનાને 'ફુલ ઑપરેશનલ' છૂટ આપી દીધી હતી. મળતી માહિતી મુજબ, બેઠકમાં કહેવામાં આવ્યું હતું કે, 'વડાપ્રધાન આતંકીઓ પર ગંભીર પ્રહાર કરવાનો રાષ્ટ્રીય સંકલ્પનો વિષય છે.'
PM મોદીએ સેનાને સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી!
PM મોદીએ ભારતીય સશસ્ત્ર દળોની ક્ષમતાઓમાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો અને વરિષ્ઠ રક્ષા નેતૃત્વને કહ્યું હતું કે, 'તેમને કોઈપણ લશ્કરી પ્રતિક્રિયાની રીત, લક્ષ્ય અને સમય નક્કી કરવાની ફુલ ઑપરેશનની સ્વતંત્રતા છે.' PM મોદીએ તેમના તાજેતરના 'મન કી બાત' સંબોધન દરમિયાન પુનરોચ્ચાર કર્યો હતો કે, 'પહલગામ હુમલાના ગુનેગારો અને કાવતરાખોરોને સૌથી કડક જવાબ આપવામાં આવશે.'