સંભલની જામા મસ્જિદ મામલે મુસ્લિમ પક્ષને રાહત, શરતો હેઠળ રંગરોગાનની હાઈકોર્ટની મંજૂરી
Sambhal Jama Masjid Allahabad: અલ્હાબાદ હાઈકોર્ટે સંભલની શાહી જામા મસ્જિદની સમિતિને મસ્જિદની બહારની દિવાલો પર રંગરોગાન કરાવવાની મંજૂરી આપી દીધી છે. કોર્ટે મસ્જિદ કમિટીની અરજીને આંશિક રીતે સ્વીકારી હતી અને આદેશ આપ્યો હતો કે મસ્જિદની બહારની દિવાલો પર જ પેઇન્ટિંગ કરી શકાય છે. આ સિવાય હાઈકોર્ટે કહ્યું કે, બહારની દિવાલો પર પણ લાઈટિંગ લગાવી શકાય છે, પરંતુ આ કામમાં સ્ટ્રક્ચરને નુકસાન ન થવું જોઈએ.
કયા આધારે આદેશ આપવામાં આવ્યો?
મસ્જિદ કમિટીએ અલ્હાબાદ હાઈકોર્ટમાં આ અરજી દાખલ કરી હતી, જેમાં તેમણે રંગરોગાન કરાવવાની પરવાનગી માંગી હતી. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની સિંગલ બેન્ચે આ કામ એક સપ્તાહની અંદર કરવાનો આદેશ આપ્યો અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ને તેની ખાતરી કરવા માટે નિર્દેશ આપ્યો. આ આદેશ એ તર્ક પર આધારિત છે કે મસ્જિદની બહારની દિવાલોને સુંદર બનાવી શકાય છે, જો કે તેમાં કોઈ માળખાકીય ફેરફારો કરવામાં ન આવે અથવા કોઈ ઐતિહાસિક માળખાને નુકસાન ન થાય.
અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી
સંભલની જામા મસ્જિદના રંગરોગાનની માગ કરતી અરજી પર ગત સોમવારે અલ્હાબાદ હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. હાઈકોર્ટે સુનાવણી 12 માર્ચ પર મુલતવી રાખી હતી. કોર્ટના આદેશનું પાલન કરીને ASIએ તપાસ રિપોર્ટ દાખલ કર્યો હતો. આ રિપોર્ટમાં ASIએ કહ્યું હતું કે મસ્જિદમાં રંગરોગાનની જરૂર નથી, હા સફાઈ કરી શકાય છે.'
આ પણ વાંચો: ટ્રેન હાઈજેક માટે ભારત જવાબદાર, પાકિસ્તાનના PM શાહબાઝના સલાહકારનો પાયાવિહોણો દાવો
જેના પર કોર્ટે ASIને મસ્જિદની સફાઈ અને ઉગી ગયેલી ઝાડીઓને સાફ કરવાનો નિર્દેશ આપ્યો હતો. મુસ્લિમ પક્ષે ASIના તપાસ અહેવાલ સામે વાંધો ઉઠાવવા માટે સમય લીધો હતો. હિંદુ પક્ષે પણ સોગંદનામું દાખલ કરવા માટે સમય લીધો હતો. આજે સુનાવણી દરમિયાન કોર્ટે ASIને 7 દિવસમાં મસ્જિદને રંગરોગાન અને લાઇટિંગ કરાવવાનો આદેશ આપ્યો છે.