World’s Most Powerful Passports : વિશ્વભરના દેશોના પાસપોર્ટનું મૂલ્યાંકન કરતી હેનલે પાસપોર્ટ ઇન્ડેક્સ-2025 દ્વારા ‘કયા દેશનો પાસપોર્ટ સૌથી મજબૂત’ તેની યાદી જાહેર કરી છે. યાદી મુજબ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અમેરિકાને મોટો ફટકો પડ્યો છે. અત્યાર સુધી ટોપ-10માં સામેલ અમેરિકાનો પાસપોર્ટ હવે તેમાંથી બહાર થઈ ગયો છે, જ્યારે ભારતના પાસપોર્ટ રેન્કિંગમાં પણ ફેરફાર થયો છે.
યાદીમાં સિંગાપુર પહેલા ક્રમાંકે
વિઝા મુક્ત અથવા વિઝા ઓન એરાઇવલ એટલે કે, તે એવી સુવિધા છે, જેમાં તમારે કોઈ ચોક્કસ દેશની યાત્રા શરુ કરતાં પહેલાં તે દેશનો વિઝા લેવાની જરૂર પડતી નથી. આ જ બાબતનું મૂલ્યાંકન કરીને હેનલેએ યાદી જાહેર કરી છે અને તેમાં પ્રથમ ક્રમાંકે સિંગાપુરનું નામ છે. એટલે કે, સિંગાપુરના નાગરિકો વિઝા વગર સૌથી વધુ દેશોમાં પ્રવાસ કરી શકે છે.


ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ ઘટ્યું
ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો તેની રેન્કિંગમાં પાંચ પોઇન્ટનો ઘડાડો થયો છે. ગત વર્ષે ભારતીય પાસપોર્ટ 80મા ક્રમાંકે હતો અને હવે તે 85મા ક્રમાંકે આવી ગયો છે. જોકે અગાઉના રિપોર્ટમાં ભારતીય પાસપોર્ટનું રેન્કિંગ 77મા ક્રમાંકે પહોંચી ગયું હતું.
ભારતીય નાગરિક વિઝા વગર 57 દેશોમાં જઈ શકે
રિપોર્ટ મુજબ, ભારતીય નાગરિકે વિઝા ઓન એરાઇવલ હેઠળ 57 દેશોનો પ્રવાસ કરી શકે છે. વિઝા-ઓન-એરાઇવલ એટલે કે મુસાફરી પહેલા વિઝા લેવાની જરૂર પડતી નથી. દેશનો નાગરિક અન્ય દેશમાં પહોંચે ત્યારે તેને વિઝા આપવામાં આવે છે.
દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને
શક્તિશાળી પાસપોર્ટની યાદીમાં સિંગાપુર પહેલા સ્થાને છે, જ્યારે દક્ષિણ કોરિયા બીજા અને જાપાન ત્રીજા સ્થાને છે. વિઝા ઓન એરાઇવલની સુવિધા હેઠળ સિંગાપુરનો નાગરિક 193 દેશોમાં પ્રવાસ કરી શકે છે. જ્યારે દક્ષિણ કોરિયાનો નાગરિક 190 અને જાપાનનો નાગરિક 189 દેશોમાં પ્રવાસ કરી શકે છે.
ચીનના પાસપોર્ટ રેન્કિંગમાં ઘણો સુધારો
અમેરિકાના પાસપોર્ટની શક્તિમાં ઘટાડો થયો છે અને તે ટોપ-10માંથી બહાર ફેંકાઈ ગયું છે. જ્યારે આપણા પડોશી દેશ ચીનના પાસપોર્ટ રેન્કિંગમાં ઘણો સુધારો થયો છે. 2015ના ડેટા મુજબ, ચીનના પાસપોર્ટની રેન્કિંગ 94 હતી અને હવે તે 64 નંબરે પહોંચી ગઈ છે.
આ પણ વાંચો : તાલિબાનીઓએ પાકિસ્તાની સેનાની ટેન્ક છીનવી, પાક. સૈનિકોને રોડ પર દોડાવ્યા, જુઓ દ્રશ્યો


