VIDEO: 'મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં?', શુભાંશુ શુક્લા સાથે મુલાકાતમાં PM મોદીનો સવાલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Shubhanshu Shukla Meets PM Modi : અંતરિક્ષમાં ભારતનો ત્રિરંગો લહેરાવનાર ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. શુભાંશુ શુક્લા 25 જૂન 2025ના રોજ 'એક્સિઓમ-4 મિશન' હેઠળ અંતરિક્ષમાંમાં ગયા હતા. તેઓ 18 દિવસ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહ્યા અને 15 જુલાઈના રોજ પરત ફર્યા હતા. વાતચીત દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મજાકમાં તેમને પૂછ્યું કે મેં આપેલું હોમવર્ક કર્યું કે નહીં? આના પર શુભાંશુ શુક્લાએ કહ્યું, હોમવર્કની ખૂબ સારી પ્રોગ્રેસ થઈ છે. ISS પર તમારી સાથે વાત કર્યા બાદ ત્યાં લોકોએ મને ચીડવ્યો પણ કે તમારા વડા પ્રધાને હોમવર્ક આપ્યું છે.
તેમણે કહ્યું કે, આ ખૂબ જ જરૂરી છે. હું એટલા માટે જ ત્યાં ગયો હતો. આ મિશનનો અંત નથી પણ શરૂઆત છે. તેનો હેતુ એ જ હતો કે, તમે કેટલું શીખીને પાછા આવી શકો છો. વાસ્તવમાં પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને કહ્યું હતું કે, 'ગગનયાન મિશનને આગળ વધારવાનું છે અને આપણું પોતાનું સ્પેસ સ્ટેશન બનાવવું છે. આ સાથે જ ચંદ્ર પર ભારતના અંતરિક્ષયાત્રીઓનું લેન્ડિંગ કરાવવાનું છે. આવી સ્થિતિમાં તમે તમારા અનુભવ રેકોર્ડ કરજો.'
શુક્લા સાથેની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ ISRO અંતરિક્ષયાત્રીનું જેકેટ પહેરીને આવેલા શુક્લાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યુંઅને તેમના ખભા પર હાથ રાખીને તેમની સાથે ચાલ્યા. શુક્લાએ વડાપ્રધાનને 'એક્સિઓમ-4 મિશન'નો 'મિશન પેચ' અને ભારતીય તિરંગો ભેટમાં આપ્યો જે તેઓ ISS પર પોતાની સાથે લઈ ગયા હતા. 29 જૂને જ્યારે શુક્લા અને મોદીએ વાત કરી હતી, ત્યારે ISS પર પૃષ્ઠભૂમિમાં આ ભારતીય તિરંગો લહેરાઈ રહ્યો હતો.
મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, 'શુભાંશુ શુક્લા સાથે ખૂબ જ સારી વાતચીત થઈ. અમે અંતરિક્ષમાં તેમના અનુભવો, વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રગતિ અને ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન મિશન સહિત ઘણા વિષયો પર ચર્ચા કરી. ભારતને તેમની આ સિદ્ધિ પર ગર્વ છે.' લખનઉમાં જન્મેલા અંતરિક્ષયાત્રી વડા પ્રધાન મોદીને 'ટેબલેટ કમ્પ્યુટર' પર ISS પરથી લીધેલા ફોટા બતાવતા જોવા મળ્યા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પીએમ મોદીને એક ફ્રેમવાળો તિરંગો ભેટ કરતી પોતાની તસવીર શેર કરતા શુક્લાએ લખ્યું કે, 'આજે માનનીય વડાપ્રધાન સાથે મુલાકાત થઈ. છેલ્લી વખત જ્યારે મેં તેમની સાથે (અંતરિક્ષમાં) ભ્રમણકક્ષામાંથી ડિજિટલ માધ્યમથી વાત કરી હતી, ત્યારે આ જ તિરંગો ISSમાં પૃષ્ઠભૂમિમાં દેખાય રહ્યો હતો.
શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક
શુક્લાએ આગળ કહ્યું, 'હું જણાવી નથી શકતો કે તે દિવસે (અંતરિક્ષમાંથી વાતચીત દરમિયાન) ભારતનું પ્રતિનિધિત્વ કરતા અને આજે વડાપ્રધાન સાથે મુલાકાત દરમિયાન મને કેટલો ગર્વ થઈ રહ્યો છે. જેમ મેં કહ્યું તેમ, આ ભારતની માનવ અંતરિક્ષયાત્રાની યાત્રાનું પહેલું પગલું છે.' શુભાંશુ શુક્લા નાસાના Axiom-4 મિશનના પાઇલટ હતા, જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલવામાં આવ્યું હતું. શુભાંશુ શુક્લા અંતરિક્ષમાં જનારા ભારતના બીજા નાગરિક છે. તેમના પહેલાં, 1984માં વિંગ કમાન્ડર રાકેશ શર્મા અંતરિક્ષમાં ગયા હતા. આ રીતે, 41 વર્ષ પછી કોઈ ભારતીયએ અંતરિક્ષની ઉડાન ભરી છે. આ મિશન 25 જૂને અમેરિકાના ફ્લોરિડામાં આવેલા નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી લૉન્ચ થયું હતું. શુભાંશુ શુક્લા 15 જુલાઈએ પૃથ્વી પર પાછા ફર્યા હતા અને હવે તેમની વતન વાપસી પર તેમનું સ્વાગત થઈ રહ્યું છે.









