India's first Hydrogen Powered Train: ભારતીય રેલવે પર્યાવરણને બચાવવા અને ટૅક્નોલૉજીમાં વિશ્વને ટક્કર આપવા માટે એક ક્રાંતિકારી પગલું ભરી રહી છે. હરિયાણાના જીંદમાં દેશના પ્રથમ હાઇડ્રોજન પ્લાન્ટમાં ટ્રેનના ટેન્કરોમાં હાઇડ્રોજન ભરવાનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ ટ્રેન ડીઝલ કે ઈલેક્ટ્રિસિટીના બદલે ગ્રીન ફ્યુઅલ 'હાઇડ્રોજન' પર ચાલશે, જેનાથી પ્રદૂષણ શૂન્ય થઈ જશે.
જીંદ-સોનીપત રૂટ પર પ્રથમ ટ્રાયલ
દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનનો પાયલોટ પ્રોજેક્ટ હરિયાણાના જીંદ-સોનીપત રૂટ(આશરે 90 કિમી) પર હાથ ધરવામાં આવશે. રેલવે મંત્રાલયના જણાવ્યા મુજબ, જાન્યુઆરી 2026માં આ ટ્રેનનો ટ્રાયલ રન શરુ થવાની પૂરી શક્યતા છે. આ માટે જીંદમાં ખાસ હાઇડ્રોજન પ્લાન્ટ તૈયાર કરાયો છે, જ્યાં સ્ટોરેજ અને રિફિલિંગની આધુનિક સુવિધાઓ છે.
ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતની નવી ઓળખ
ભારતીય રેલવેની આ અત્યાધુનિક હાઇડ્રોજન ટ્રેનમાં કુલ 27 હાઇડ્રોજન સિલિન્ડર લગાવવામાં આવ્યા છે, જેમાં પ્રત્યેક સિલિન્ડર 8.4 કિલો ગેસ સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. આ મુજબ, ટ્રેનમાં એકસાથે કુલ 226.8 કિલો હાઇડ્રોજન ભરી શકાય છે. માઇલેજની વાત કરીએ તો, આ ટ્રેન અંદાજે 360 કિલો હાઇડ્રોજનના વપરાશમાં 180 કિમી સુધીનું અંતર કાપવા સક્ષમ છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેને વિશ્વની સૌથી લાંબી અને પાવરફુલ બ્રોડગેજ હાઇડ્રોજન ટ્રેન માનવામાં આવે છે, જે ભારતને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવશે.
મિશન 2030: 'નેટ ઝીરો કાર્બન'નું લક્ષ્ય
ભારતીય રેલવેએ 2030 સુધીમાં 'ઝીરો કાર્બન ઉત્સર્જન'(Net Zero Carbon Emitter) લક્ષ્ય રાખ્યું છે. આ યોજના હેઠળ, હાઇડ્રોજન ટ્રેનોને શરુઆતમાં પહાડી વિસ્તારો અને હેરિટેજ રૂટ(જેમ કે કાલકા-શિમલા) પર ચલાવવામાં આવશે જેથી ત્યાંના કુદરતી વાતાવરણને કોઈ નુકસાન ન થાય.
દુનિયાના દેશોને આપશે ટક્કર
ભારતે જર્મની, ફ્રાન્સ અને સ્વીડન જેવા દેશોની હાઇડ્રોજન ટૅક્નોલૉજીનો અભ્યાસ કરીને આ ટ્રેન તૈયાર કરી છે. ભારતની આ ટ્રેન અન્ય દેશો કરતાં વધુ આધુનિક હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રેલવેનું લક્ષ્ય છે કે વર્ષ 2028 સુધીમાં આ ટ્રેનનું કોમર્શિયલ ઓપરેશન (સામાન્ય જનતા માટે) શરુ કરી દેવામાં આવે. ટ્રેનની સાથે સાથે ભારતમાં હવે હાઇડ્રોજન કાર પણ લોન્ચ કરવાની દિશામાં કામ ચાલી રહ્યું છે.


