'ભારતીય હેરાન થાય છે...', US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

H1-B Visa News: અમેરિકાની સરકારે વિઝાધારકો માટે સોશિયલ મીડિયા વેરિફિકેશનની નવી પૉલિસી લાગુ પાડી દીધી છે. તેના કારણે હવે એચ1-બી વિઝાધારકોના વિઝા રિન્યુઅલની પ્રોસેસ અટકી પડી છે. અસંખ્ય લોકોની વિઝા રિન્યુની અપોઇન્ટમેન્ટ છ-આઠ મહિનાથી લઈને એક-એક વર્ષ સુધી લંબાઈ જતાં ભારતીયો સહિત અનેક વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. જે રિન્યુઅલ માટે ભારત આવી ગયા હતા તેમની સામે અમેરિકા પાછા કેમ ફરવું તે મોટો સવાલ ઊભો થયો છે. ત્યારે આજે ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા H-1B વિઝામાં આવી રહેલી પરેશાની અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે.
H-1B વિઝા મુશ્કેલી અંગે ભારત સરકારે અમેરિકા સાથે કરી ચર્ચા
ભારતીયોને H-1B વિઝા એપોઇન્ટમેન્ટ રદ થવા પર પડી રહેલી મુશ્કેલી અંગે પણ સવાલ કરતાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે કે 'ઘણા ભારતીય નાગરિકોએ વિઝા શિડ્યુઅલ અને રિ-શિડ્યુઅલ અંગે ફરિયાદ કરી છે. વિઝા આપવાનો અધિકાર જે તે દેશનો છે, તો પણ ભારતે અમેરિકાના અધિકારીઓ સામે આ મુદ્દો ઉઠાવી ચિંતા વ્યક્ત કરી છે. MEA મુજબ આ કારણે ભણતર અને પારિવારિક જીવન પર અસર પડી રહી છે. જેથી હેરાનગતિ થઈ રહી છે. ભારત સરકાર અમેરિકાના અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી ભારતીય નાગરિકોને પડી રહેલી સમસ્યાઓ ઓછી થાય'
અમેરિકન સરકારે નવું નોટિફિકેશન આપતાં બધી જ અપોઇન્ટમેન્ટ્સ રદ
અમેરિકાના ઈમિગ્રેશન વિભાગે દુનિયાભરના દૂતાવાસોને એચ1-બી વિઝાની અપોઇન્ટમેન્ટ પાછી ઠેલવાનો આદેશ આપ્યો છે. તેના કારણે અમેરિકાની આઇટી કંપનીઓમાં કાર્યરત ભારત સહિત દુનિયાભરના વિદેશી નાગરિકો મુશ્કેલીમાં મૂકાયા છે. અસંખ્ય એચ1-બી વિઝાધારકોના વિઝાની સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે અથવા તો આગામી મહિનાઓમાં પૂરી થવાની છે. એવા લોકો પોત-પોતાના દેશમાં વિઝા રિન્યુ કરવા આવવા લાગ્યા હતા. દૂતાવાસમાં અપોઇન્મેન્ટ મેળવીને વિઝા રિન્યુની પ્રોસેસ કરવાની હોય છે. અનેક ભારતીયો રિન્યુઅલ પ્રોસેસ માટે ભારત આવ્યા હતા. એ પછી અચાનક અમેરિકન સરકારે આ નવું નોટિફિકેશન આપતાં બધી જ અપોઇન્ટમેન્ટ રદ થઈ છે અને કેટલાયને આવતા વર્ષે એપ્રિલ-મેની તો ઘણાને આવતા વર્ષે નવેમ્બર-ડિસેમ્બરની નવી અપોઇન્ટમેન્ટ આપવામાં આવી છે.
બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ
અમેરિકાની સરકારના આ તઘલખી નિર્ણયના કારણે બે મુખ્ય મુશ્કેલી સર્જાઈ છે. એક, જે લોકો અપોઇન્ટમેન્ટ માટે પોતાના દેશમાં આવ્યા હતા તેઓ પોતાના દેશમાં જ ફસાઈ ગયા છે. તેમના વિઝાની અવધિ પૂરી થતાં હવે તેઓ ફરીથી અમેરિકા જઈ શકે નહીં. બીજી મુશ્કેલી, જે લોકો અમેરિકામાં છે તેઓ આમ અમેરિકામાં રહી શકે નહીં. જો સરકાર એની તપાસ કરે તો તેઓ મુશ્કેલીમાં મૂકાઈ શકે. વળી, એ લોકો દેશ છોડીને ક્યાંય જઈ શકશે નહીં. હવે ભારત સરકારે કરેલી રજૂઆત બાદ એચ1-બી વિઝા ધારકો કોઈ રાહત મળે તેવા સંકેત છે.








