હ્યુમન GPS તરીકે ઓળખાતો 'સમંદર ચાચા' એન્કાઉન્ટરમાં ઠાર, 100થી વધુ ઘૂસણખોરીમાં સામેલ હતો
Human GPS Terrorist Dead: જમ્મુ-કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. આતંકીઓની દુનિયામાં 'હ્યુમન જીપીએસ' તરીકે ઓળખાતા બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા ઠાર મરાયો છે. સૂત્રોના જણાવ્યાનુસાર, સમંદર ચાચા સાથે વધુ એક પાકિસ્તાની ઘૂસણખોર એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
બાગુ ખાન આતંકી સંગઠનોને મદદ કરતો હતો
અહેવાલો અનુસાર, બાગુ ખાન ઉર્ફે સમંદર ચાચા વર્ષ 1995થી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)માં રહેતો હતો. સુરક્ષા એજન્સીઓ અનુસાર, તે છેલ્લા ત્રણ દાયકામાં ગુરેઝ સેક્ટર અને આસપાસના વિસ્તારમાંથી 100થી વધુ ઘૂસણખોરીના પ્રયાસોમાં સામેલ હતો, જેમાંથી મોટાભાગના સફળ રહ્યા હતા. પહાડી વિસ્તારના ગુપ્ત માર્ગો વિશેના તેના ઊંડા જ્ઞાનને કારણે તે આતંકી સંગઠનો માટે ખૂબ ખાસ હતો.
બાગુ ખાન હિઝબુલ કમાન્ડર હતો અને તે ફક્ત એક આતંકી સંગઠન પૂરતો મર્યાદિત નહોતો. તે લગભગ દરેક આતંકી સંગઠનને ઘૂસણખોરીની યોજના બનાવવામાં અને તેને અંજામ આપવામાં મદદ કરી હતી. તેથી તેને આતંકીઓ 'હ્યુમન જીપીએસ' કહેતા હતા.
આ પણ વાંચો: બિહારમાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ મૃતદેહને ઝાડ પર લટકાવી દીધો, હેવાન ઝડપાયો
બાગુ ખાન કેવી રીતે ઠાર મરાયો
સૂત્રોના જણાવ્યાનુસાર, 28મી ઑગસ્ટની રાત્રે જ્યારે બાગુ ખાન નૌશેરા નાર વિસ્તારમાંથી ફરીથી ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે સુરક્ષા દળોએ તેને ઘેરી લીધો હતો. બાગુ ખાન અને તેની સાથેનો અન્ય એક આતંકી એન્કાઉન્ટરમાં ઠાર મરાયો હતો.
આતંકી નેટવર્કને મોટો ઝટકો!
સુરક્ષા અધિકારીઓના મતે, સમંદર ચાચાનું મોત આતંકી સંગઠનોના લોજિસ્ટિક્સ નેટવર્ક માટે મોટો ઝટકો છે. તેના મોતથી ઘૂસણખોરીની ઘણી સંભવિત યોજનાઓ નિષ્ફળ ગઈ છે. સમંદર ચાચા વર્ષોથી સુરક્ષા દળોના ચુંગલમાંથી બચી રહ્યો હતો.