India

કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો પ્રસ્તાવ

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, કેન્સરની દવાઓ પર 30% ટ્રેડ માર્જિન કેપ લગાવવાની તૈયારી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, સરકાર દવાઓની યાદી બહાર પાડશે. સુપ્રીમ કોર્ટે MRP પર સખત વલણ અપનાવી સમગ્ર ફાર્મા બજારમાં કિંમત નિયંત્રણની જરૂરિયાત પર ભાર મૂક્યો. આગામી સુનાવણી 27 ઓક્ટોબરે થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર, કેન્દ્રએ સુપ્રીમ કોર્ટમાં આપ્યો પ્રસ્તાવ

Centre 30 Percent Margin Cap Cancer Drugs: કેન્દ્ર સરકાર કેન્સરની દવાઓ પર 30% ટ્રેડ માર્જિન કેપ લગાવવાની તૈયારી કરી રહી છે. સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતો અને ઉપલબ્ધતા પર વ્યાપક નિયંત્રણની જરૂરિયાત જણાવી છે. આ કેસની આગામી સુનાવણી 27 ઓક્ટોબરે હાથ ધરાશે.

કેન્દ્ર સરકારનો સુપ્રીમમાં જવાબ

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે તેણે કેન્સરની દવાઓ પર ટ્રેડ માર્જિનને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે, જેથી દવાઓ પર લાગતા વધારે માર્કઅપને રોકી શકાય અને સાથે જ વ્યાજબી માર્જિન પણ સુનિશ્ચિત કરી શકાય. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર એવી કેન્સરની દવાઓની યાદી બહાર પાડશે, જેના પર 30 ટકા ટ્રેડ માર્જિનની મર્યાદા લાગુ થશે. તેમણે કોર્ટને જણાવ્યું કે, બજારની સ્થિતિ અને જાહેર આરોગ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ યાદી સમયાંતરે અપડેટ કરવામાં આવશે અને તેમાં નવી દવાઓ ઉમેરવામાં આવશે, જ્યારે સસ્તી દવાઓને આમાંથી બાકાત રાખવામાં આવશે.

દવાઓની MRP પર સુપ્રીમ કોર્ટ સખત

સુપ્રીમ કોર્ટે દવાઓની કિંમતોની વ્યાપક તપાસની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું કે, આ પ્રક્રિયા માત્ર કેન્સર વિરોધી દવાઓ પૂરતી જ મર્યાદિત ન રહેવી જોઈએ, પરંતુ સમગ્ર ફાર્માસ્યુટિકલ બજાર પર લાગુ થવી જોઈએ. કોર્ટે કેટલાક ઉદાહરણો ટાંકીને સવાલ કર્યો કે, કેટલીક દવાઓ માટે વેચાણકર્તાઓ દ્વારા MRP 400 ગણી કિંમતે કેમ નક્કી કરવામાં આવી હતી? કોર્ટે કેન્દ્રને એમ પણ કહ્યું કે કેટલીક દવાઓ પર કેપ લગાવવા અને કેટલીક દવાઓને કેપ વિના છોડવાના કારણો ગ્રાહકોના હિતમાં યોગ્ય હોવા જોઈએ.

27 ઓક્ટોબરે થશે આગામી સુનાવણી

સુપ્રીમ કોર્ટે નોન-શિડ્યુલ્ડ દવાઓની પ્રારંભિક કિંમતોને નિયંત્રિત કરવા અને મેડિકલ ડિવાઈસની કિંમતો પર મર્યાદા નક્કી કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી માટે 27 ઓક્ટોબરની તારીખ નક્કી કરી છે. કેન્દ્ર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, અપનાવવામાં આવતી પદ્ધતિ સંતુલિત હોવી જોઈએ. તુષાર મહેતાએ જણાવ્યું, 'પ્રાઇસિંગ અને અવેલેબિલિટી વચ્ચે સંતુલન હોવું જોઈએ, જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે, બજારમાં દવાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રહે. કેન્દ્રએ ચેતવણી આપી હતી કે વધુ પડતા હસ્તક્ષેપથી બજારને નુકસાન થઈ શકે છે, દવાઓની ઉપલબ્ધતા ઘટી શકે છે, અને વિતરણ વ્યવસ્થા મુશ્કેલ બની શકે છે.