નૌસેનાના જહાજો માટે 1700 કરોડના બ્રહ્મોસ મિસાઈલ ખરીદશે ભારત સરકાર
નવી દિલ્હી,તા.23.સપ્ટેમ્બર,2022
બ્રહ્મોસ મિસાઈલ ભારતના સૌથી ઘાતક હથિયારો પૈકીનુ એક છે. જેના કારણે અન્ય દેશો પણ આ મિસાઈલ ખરીદવામાં રસ બતાવી રહ્યા છે.
હવે ભારતીય નૌસેનાની જરૂરિયાત પુરી કરવા માટે ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયે બ્રહ્મોસ બનાવતી કંપની બ્રહ્મોસ એરોસ્પેસ પ્રાઈવેટ લિમિટેડ સાથે 1700 કરોડ રૂપિયાના બ્રહ્મોસ મિસાઈલ ખરીદવા માટે ડીલ કરી છે.
તેનાથી નૌસેનાની જરૂરિયાતને પુરી કરવામાં આવશે. આ મિસાઈલ્સ યુધ્ધ જહાજો પર તૈનાત કરાશે અને તેની મારક ક્ષમતા 290 કિલોમીટરની હશે. સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે આ સોદાના પગલે નૌસેનાની ક્ષમતામાં વધારો થશે અને ઘરઆઁગણે ડિફેન્સ સેક્ટરના ઉદ્યોગોની ભાગીદારી વધશે.
અત્યાર સુધીમાં બ્રહ્મોસ ખરીદવા માટે ભારતીય સેનાની ત્રણે પાંખ 38000 કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ કરી ચુકી છે. આ મિસાઈલ અવાજ કરતા ત્રણ ગણી ઝડપે ઉડી શકે છે.
શરુઆતમાં તેની રેન્જ 290 કિલોમીટરની હતી પણ હવે આ રેન્જ વધારીને 350 થી 400 કિલોમીટર કરવામાં આવી છે. 800 કિલોમીટરની રેન્જ વાળા વેરિએન્ટ પર પણ કામ ચાલી રહ્યુ છે. વધારે રેન્જ વાળી મિસાઈલનુ ગયા વર્ષે ભારતીય નૌસેનાએ પરીક્ષણ પણ કર્યુ હતુ.
અત્યારે 10 યુધ્ધ જહાજો પર બ્રહ્મોસ તૈનાત છે અને બીજા પાંચ જહાજો પર વર્ટિકલ લોન્ચ સિસ્ટમ લગાવાઈ છે.
આર્મીની બ્રહ્મોસને લદ્દાખ અને અરુણાચલ બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા છે.
ભારત સાથે બ્રહ્મોસ ખરીદવા માટે ફિલિપાઈન્સ 2770 કરોડ રૂપિયાની ડીલ ફાઈનલ કરી ચુકયુ છે.