વાહન ચાલકોને મોટો ઝટકો : સરકારે 20 વર્ષ જૂના વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં કર્યો બમણો વધારો
Old Vehicles Registration : દેશમાં હવે 20 વર્ષથી જૂની ગાડીઓનું રજિસ્ટ્રેશન રિન્યુ કરવાનો મોંઘું થઈ ગયું છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે રિન્યુઅલ ફીમાં નોંધપાત્ર વધારો કરતો નવો આદેશ જારી કર્યો છે. સરકારનો ઉદ્દેશ્ય એ છે કે, લોકો સ્વેચ્છાએ તેમના જૂના વાહનોને સ્ક્રેપ કરે અને રસ્તા પર પ્રદૂષિત વાહનોની સંખ્યા ઘટાડે. નવા નિયમો હેઠળ, હવે લાઇટ મોટર વ્હીકલથી લઈને આયાતી વાહનો સુધી નોંધણી રિન્યુઅલ પર મોટી રકમ ચૂકવવી પડશે.
LMVના રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફીમાં વધારો
20 વર્ષ જૂના લાઇટ મોટર વ્હીકલ (LMV)ના રજિસ્ટ્રેશન રિન્યુઅલ ફી હવે 5000 રૂપિયાથી વધારીને 10 હજાર કરી દીધી છે. આવી જ રીતે, ટુ-વ્હીલર વાહનો માટે રિન્યુઅલ ફી 1000 રૂપિયાથી વધારીને રૂ. 2000 અને થ્રી-વ્હીલર વાહનો અને ક્વાડ્રિસાઇકલ માટે આ ફી 3500 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરવામાં આવી છે.
જાણો કયા વાહનો માટે કેટલી ફી...
હવે, આયાતી ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલરના રજિસ્ટ્રેશન રિન્યુઅલ પર 20 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. જ્યારે ફોર-વ્હીલર અથવા મોટા આયાતી વાહનો પર 80 હજાર રૂપિયા ફી ચૂકવવી પડશે. આ નિર્ણય હેઠળ, સરકારે ફેબ્રુઆરી 2025માં સુધારાનો મુસદ્દો જાહેર કર્યો હતો, જેને 21 ઓગસ્ટ 2025 ના રોજ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
આ અગાઉ ઓક્ટોબર 2021માં પણ સરકારે વાહન રજિસ્ટ્રેશન અને રિન્યુઅલ ફીમાં વધારો કર્યો હતો. સરકારનું કહેવું છે કે, આ પગલું સ્ક્રેપ નીતિને પ્રોત્સાહન આપવા અને પ્રદૂષણને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી લેવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ટેરિફ વિવાદ વચ્ચે ભારતની ઓઇલ આયાત અંગે ચોંકાવનારો ખુલાસો, સરકારે જાહેર કર્યા આંકડા
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ઓગસ્ટ 2025ની શરૂઆતમાં દિલ્હી-NCR ક્ષેત્રમાં 10 વર્ષ જૂના ડિઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનોના માલિકો સામે સખ્ત કાર્યવાહી કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. દિલ્હી સરકારે કોર્ટને વિનંતી કરી હતી કે, વાહનોને તેમના ઉત્પાદન વર્ષ કરતાં તેમના વાસ્તવિક ઉપયોગની સ્થિતિના આધારે નિવૃત્ત કરવામાં આવે.