ઇંધણ સંકટ વચ્ચે LPG મુદ્દે કેન્દ્રનો રાજ્યોને મોટો આદેશ, જાણો કયા સેક્ટરને મળશે લાભ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Crisis in India: દેશના ઔદ્યોગિક વિકાસને વેગ આપવા અને ઉત્પાદન ક્ષેત્રે પડતી મુશ્કેલીઓને દૂર કરવા માટે ભારત સરકારે એક મહત્ત્વનું અને નિર્ણાયક પગલું લીધું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જાહેરાત કરી છે કે, સરકારે રાજ્યો માટે કોમર્શિયલ LPGના ક્વોટામાં મોટો વધારો કરીને તેને 70% સુધી પહોંચાડી દીધો છે.
શું છે સરકારનો નવો નિર્ણય?
પેટ્રોલિયમ મંત્રાલયના સચિવ ડૉ. નીરજ મિત્તલે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને આ અંગે જાણકારી આપી છે. અગાઉ કોમર્શિયલ LPGની ફાળવણી પ્રી-ક્રાઇસીસ લેવલના 50% સુધી મર્યાદિત હતી. જેમાં હવે 20%નો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ કુલ ફાળવણી હવે 70% થઈ ગઈ છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિડલ ઈસ્ટ સંકટ અથવા અન્ય કારણોસર ઉદ્ભવેલી ગેસની તંગીમાં ઉદ્યોગોને રાહત આપવાનો છે.
કયા ઉદ્યોગોને મળશે પ્રાથમિકતા?
સરકારે આ વધારાના 20% ક્વોટા માટે કેટલીક શરતો અને પ્રાથમિકતાઓ નક્કી કરી છે. લેબર-ઇન્ટેન્સિવ સેક્ટર જેવા કે સ્ટીલ, ઓટોમોબાઈલ, ટેક્સટાઈલ, ડાઈંગ, કેમિકલ્સ અને પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોને આ ફાળવણીમાં પ્રાધાન્ય આપવામાં આવશે. ઉપરાંત સ્પેશિયલાઇઝ્ડ હીટિંગ એવા ઉદ્યોગો કે જેમને ખાસ હીટિંગ પ્રક્રિયા માટે LPGની અનિવાર્ય જરૂરિયાત છે અને જ્યાં નેચરલ ગેસ વિકલ્પ તરીકે વાપરી શકાતો નથી, તેમને પ્રથમ પસંદગી મળશે. આ નિર્ણયથી શ્રમ-સઘન ઉદ્યોગોને વેગ મળશે, જેનાથી રોજગારીની તકો સુરક્ષિત થશે.
રાજ્યોને સુધારા માટે અપીલ
ડૉ. નીરજ મિત્તલે પોતાના પત્રમાં રાજ્યોને 10% રિફોર્મ-બેઝ્ડ (સુધારા આધારિત) એલોકેશનનો તાત્કાલિક લાભ આપવા માટે પણ આગ્રહ કર્યો છે. જે રાજ્યોએ PNG(પાઇપ્ડ નેચરલ ગેસ)ને પ્રોત્સાહન આપવા માટે જરૂરી સુધારા કર્યા છે, તેમને આ વધારાનો લાભ મળશે. આ પગલાથી ઔદ્યોગિક કામગીરીમાં આવતા અવરોધો દૂર થશે અને આર્થિક ગતિવિધિઓ તેજ બનશે.









