'છેલ્લા 10 વર્ષથી મારા બનેવીને પરેશાન કરી રહી છે સરકાર', વાડ્રા વિરુદ્ધ ચાર્જશીટ મામલે રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi Defends On ED Chargesheet Against Vadra: લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ જમીન કૌભાંડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં રોબર્ટ વાડ્રા વિરુદ્ધ ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટ મુદ્દે બળાપો કાઢ્યો છે. તેમણે આ ચાર્જશીટને ષડયંત્રનો એક ભાગ ગણાવ્યો છે. રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો છે કે, તેમના બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર (ભાજપ) હેરાન કરી રહી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી કે, 'મારા બનેવી રોબર્ટ વાડ્રાને છેલ્લા દસ વર્ષથી આ સરકાર હેરાન કરી રહી છે. આ ચાર્જશીટ ષડયંત્રનો એક ભાગ છે. હું રોબર્ટ, પ્રિયંકા, અને તેના બાળકો સાથે છું. કારણકે, તે દુર્ભાવનાપૂર્ણ, રાજકીય રૂપે પ્રેરિત આરોપો અને શોષણનો સામનો કરી રહ્યા છે. મને વિશ્વાસ છે કે, તેઓ કોઈપણ પ્રકારના અત્યાચારનો હિંમતથી સામનો કરવા સક્ષમ છે. તેઓ હંમેશાની જેમ સન્માન સાથે આ સહન કરશે. અંતે સત્યની જીત થશે.'
ઈડીએ ગઈકાલે ફાઇલ કરી ચાર્જશીટ
એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ ગઈકાલે ગુરુવારે રોબર્ટ વાડ્રા વિરુદ્ધ શિકોહપુર જમીન સંબંધિત મની લોન્ડરિંગ મામલે ચાર્જશીટ ફાઇલ કરી હતી. ઈડીએ રોબર્ટ વાડ્રા અને તેમની પત્નીની રૂ. 37.64 કરોડની 43 સંપત્તિને ટાંચમાં લીધી છે. EDએ રોબર્ટ વાડ્રા અને અન્ય 10 વ્યક્તિ-કંપની વિરુદ્ધ પણ મની લોન્ડરિંગની ફરિયાદ નોંધી છે. જેમાં સ્કાય લાઇટ હૉસ્પિટાલિટી પ્રા. લિ., કારેશ્વર પ્રોપર્ટીઝ પ્રા. લિ., સત્યનંદ યાજી અને કેવલ સિંહ વિર્ક સહિત અન્ય સામેલ છે.
આ પણ વાંચોઃ છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી
શું હતો મામલો?
ઈડીની ચાર્જશીટ અનુસાર, વાડ્રાની કંપની સ્કાયલાઇટ હૉસ્પિટાલિટીએ ગુરુગ્રામ જિલ્લાના શિકોહપુર ગામમાં 3.53 એકર જમીન ઓમકારેશ્વર પ્રોપર્ટીઝ પાસેથી રૂ. 7.5 કરોડમાં ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી કરી ખરીદી હતી. તેમણે લાગવગનો ઉપયોગ કરી જમીન પર કોર્પોરેટ લાયસન્સ મેળવ્યું હતું.
આ સોદો ફેબ્રુઆરી, 2008માં થયો હતો. તે સમયે કોંગ્રેસના ભુપેન્દ્રસિંહ હુડ્ડા હરિયાણામાં મુખ્યમંત્રી હતા. જેથી મહિનો લાગતી દસ્તાવેજીકરણની પ્રક્રિયા એક દિવસમાં જ પૂરી થઈ હતી. જ્યાં થોડા મહિનામાં જ રોબર્ટ વાડ્રાએ એક હાઉસિંગ સોસાયટી બનાવવાની મંજૂરી મેળવી હતી. તે સમયે જમીનના ભાવ અનેકગણા વધ્યા હતા. જૂનમાં તેમણે આ જમીન ડીએલએફને રૂ. 58 કરોડમાં વેચી હતી. ઈડીને શંકા છે કે, આ સોદામાં મની લોન્ડરિંગ થયુ છે. જેની તપાસ હાલ ચાલુ છે. આ વર્ષે એપ્રિલમાં કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિ રોબર્ટ વાડ્રાની ઈડીએ પૂછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા.