છત્તીસગઢના પૂર્વ CM ભૂપેશ બઘેલના પુત્રની ધરપકડ, દરોડા બાદ EDની મોટી કાર્યવાહી
ED Raids on Bhupesh Baghel House: છત્તીસગઢના બહુચર્ચિત લીકર કૌભાંડમાં હવે ભૂપેશ બઘેલ પણ ફસાયા છે. શુક્રવારે (18 જુલાઈ) સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)ની ટીમે ભિલાઈમાં ભૂપેશ બઘેલના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા. ત્યારબાદ શુક્રવારે (18 જુલાઈ)ED એ આ લીકર કૌભાંડમાં ભૂપેશ બઘેલના દીકરા ચૈતન્ય બઘેલની સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, આ મામલે નવા સાક્ષી મળ્યા બાદ ઈડીએ પીએમએલએ એક્ટ હેઠળ દુર્ગ જિલ્લાના ભિલાઈ શહેર સ્થિત બઘેલ આવાસ પર દરોડા પાડ્યા હતા. આ પિતા-પુત્રનું સહિયારૂ ઘર છે.
કેમ કરાઈ ચૈતન્યની ધરપકડ?
EDનો આરોપ છે કે ચૈતન્ય બઘેલ એક લીકર સિન્ડિકેટ દ્વારા પૈસા મેળવતો હોવાની આશંકા છે. તેણે 2019 અને 2022 વચ્ચે રાજ્યની સરકારી તિજોરીને 2,100 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન પહોંચાડ્યું હતું. EDએ અગાઉ માર્ચ 2025માં ચૈતન્ય બઘેલ સામે આ રીતે જ દરોડા પાડ્યા હતા.
દીકરાની ધરપકડ પર પૂર્વ મુખ્યમંત્રીની પ્રતિક્રિયા
દીકરાની ધરપકડ બાદ ભૂપશ બઘેલની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમણે કહ્યું કે, 'એકબાજુ બિહારમાં ચૂંટણી પંચની મદદથી મતદારોના નામ દૂર કરવામાં આવી રહ્યા છે. પ્રજાતંત્રનું ચીરહરણ કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ વિપક્ષના નેતાઓને દબાવવા માટે ઈડી, આઈટી, સીબીઆઈ, ડીઆરઆઈનો દુરૂપયોગ કરવામાં આવી રહ્યો છે. પરંતુ, હવે દેશની જનતા સમજી ગઈ છે અને સારી રીતે જાગૃત છે. મારા જન્મ દિવસે મારા સલાહકાર અને બે ઓએસડીના ઘર પર ઈડી મોકલી હતી અને હવે મારા દીકરા ચૈતન્યના જન્મ દિવસ પર અમારા ઘરે ઈડીના દરોડા પાડવામાં આવ્યા. આ ભેટ માટે આભાર. આખી જિંદગી યાદ રહેશે.
ભૂપેશ બઘેલના ઘરે EDના દરોડા
નોંધનીય છે કે, છત્તીસગઢમાં એક્સાઇઝ કૌભાંડ હવે 2100 કરોડ રૂપિયાથી વધીને 3200 કરોડ રૂપિયા થઈ ગયું છે. એજન્સીઓ આ મામલાની સતત તપાસ કરી રહી છે. મંગળવારે (15 જુલાઈ), EDની ટીમે હોટેલ માલિક વિજય અગ્રવાલના ભિલાઈ નિવાસસ્થાન તેમજ હોટેલ અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન ટીમે વિજય અગ્રવાલના ગોવા અને દિલ્હીના સ્થળો પર પણ દરોડા પાડ્યા હતા. જેમાં EDએ 70 લાખ રૂપિયા રોકડા જપ્ત કર્યા હતા. હોટેલ માલિક વિજય અગ્રવાલને પૂર્વ મુખ્યમંત્રીના નજીકના માનવામાં આવે છે. જેથી, હવે શુક્રવારે (17 જુલાઈ) સવારે EDએ ભૂપેશ બઘેલના ઘરે પણ દરોડા પાડ્યા હતા.
ભૂપેશ બઘેલે સોશિયલ મીડિયા પર શેર કરી માહિતી
પૂર્વ મુખ્યમંત્રી બઘેલે આ સંદર્ભમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં કહ્યું કે, 'ED આવી ગઈ છે. આજે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ છે. તમનારમાં અદાણી દ્વારા કાપવામાં આવતા વૃક્ષોનો મુદ્દો આજે ઉઠાવવાનો હતો. તેથી 'સાહેબે' ભિલાઈના નિવાસસ્થાને ED મોકલી દીધો છે.
નોંધનીય છે કે, આજે છત્તીસગઢ વિધાનસભાના ચોમાસુ સત્રનો પાંચમો અને છેલ્લો દિવસ છે. આવી સ્થિતિમાં ભૂપેશ બઘેલે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તમનારમાં કાપવામાં આવતાં વૃક્ષોનો મુદ્દો ગૃહમાં ઉઠાવવાનો હતો, પરંતુ આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે, આવું ન થાય.