Coronavirus: દેશમાં 2.7 કરોડ N95 માસ્ક, 50 હજાર વેન્ટીલેટર, 16 લાખ ટેસ્ટીંગ કિટની જરૂર
નવી દિલ્હી, 6 એપ્રિલ 2020 સોમવાર
દેશમાં કોરોનાનો ચેપ ઝડપથી વધી રહ્યો અને દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતા કેન્દ્ર સરકારે આગામી બે મહિનામાં કઈ વસ્તુની કેટલી જરૂર પડશે તેનો અંદાજ લગાવ્યો છે. જે પ્રમાણે ભારતને આગામી બે મહિનામાં 2.7 કરોડ એન 95 માસ્ક, 50000 વેન્ટિલેટર, 16 લાખ ટેસ્ટિંગ કિટ અને 1.5 કરોડ પર્સનલ પ્રોટેક્શન ઈક્વિપમેન્ટની જરૂર પડવાની છે.
ભારતને 50 હજાર વેન્ટિલેટરની જરૂર
સૂત્રોના કહેવા પ્રમાણે સરકારના નીતિ આયોગ દ્વારા કેટલીક ઈન્ડસ્ટ્રિઝ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં સરકાર તરફથી કહેવામાં આવ્યુ હતુ કે, ભારતને કઈ વસ્તુની કેટલી જરુર પડી શકે છે. ભારતને 50000 વેન્ટિલેટરની જરૂર પડવાની છે.
દેશમાં 16 હજાર વેન્ટીલેટર ઉપલબ્ધ, નવા વેન્ટીલેટર 34 હજારનો અપાયો ઓર્ડર
અધિકારીઓનાં જણાવ્યા પ્રમાણે જૂન સુંધી 50 હજાર વેન્ટિલેટરની જરૂર પડશે, જેમાં 16 હજાર જ છે. અને અન્ય 34 હજાર વેન્ટીલેટરનો ઓર્ડર આપ્યો છે, અધિકારીઓનો જવાબ ઇન્ડસ્ટ્રીઝનાં પ્રતિનિધિઓને સરકારનાં પ્રસ્તાવની જરૂર છે, તેમના અનુસાર કોઇ પણ પ્રોજેક્ટમાં મુડીરોકાણ કરવાની માહિતીની હોવી જરૂરી છે.
કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ હાજર
આ બેઠકમાં નીતિ આયોગના અધ્યક્ષ, સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઈઝર, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના સભ્ય સહિતના કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.