મનરેગાના બજેટમાં કરાયો મોટો ફેરફાર! શરુઆતના 6 મહિનામાં 60 ટકા જ ખર્ચ કરી શકશે સરકાર
MNREGA Spending: કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે નાણાકીય વર્ષ 2025-26ના પ્રથમ છ મહિના માટે મનરેગા (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) તેના વાર્ષિક બજેટના ફક્ત 60% જ ખર્ચી શકશે. સરળ શબ્દોમાં કહીએ તો, મનરેગા માટે આખા વર્ષ માટે જે રકમ નક્કી કરવામાં આવી હતી, તેના ફક્ત 60% જ વર્ષના પહેલા 6 મહિનામાં ખર્ચ કરવામાં આવશે.
મનરેગાને હવે માસિક/ત્રિમાસિક વ્યય યોજના હેઠળ લાવવામાં આવશે
મીડિયા રિપોર્ટ અનુસાર, અત્યાર સુધી મનરેગા પર ખર્ચની કોઈ મર્યાદા નહોતી. નાણા મંત્રાલયે ગ્રામીણ વિકાસ મંત્રાલયને જણાવ્યું છે કે હવે આ યોજનાને માસિક/ત્રિમાસિક વ્યય યોજના (MEP/QEP) હેઠળ લાવવામાં આવશે. આ એક એવી સિસ્ટમ છે જે ખર્ચને નિયંત્રિત કરે છે.
મનરેગાને આ યોજના હેઠળ લાવવાથી તેનો ખર્ચ માસિક અથવા ત્રિમાસિક ધોરણે ટ્રેક અને નિયંત્રિત કરી શકાશે. અત્યાર સુધી મનરેગાને આમાંથી મુક્તિ આપવામાં આવી હતી. શરુઆતમાં, ગ્રામીણ વિકાસ મંત્રાલયે મનરેગાને MEP/QEP હેઠળ લાવવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો, પરંતુ આખરે નાણા મંત્રાલયના આ પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ.
નિર્ણાયક બેઠકો પછી લીધો નિર્ણય
બંને મંત્રાલયો વચ્ચે અનેક તબક્કાની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાણા મંત્રાલયે 29 મેના રોજ ગ્રામીણ વિકાસ મંત્રાલયને જાણ કરી કે તે નાણાકીય વર્ષના પ્રથમ છ માસમાં મનરેગાના વાર્ષિક ખર્ચના ફક્ત 60% જ ખર્ચી શકશે, એટલે કે કુલ 86,000 કરોડ રૂપિયા. આનો અર્થ એ છે કે સપ્ટેમ્બર પછી આ યોજના માટે ફક્ત 51,600 કરોડ રૂપિયા જ ઉપલબ્ધ રહેશે, જે વાર્ષિક બજેટના 40% છે.
નોંધનીય છે કે નાણા મંત્રાલયે 2017માં MEP/QEPની શરુઆત કરી હતી જેથી મંત્રાલયોને બિનજરૂરી ઉધાર લેવાથી બચાવી શકાય. અત્યાર સુધી મનરેગા તેના દાયરાથી બહાર હતી, પરંતુ નાણાકીય વર્ષ 2025-26ની શરુઆતથી, નાણા મંત્રાલયે MEP/QEP હેઠળ મનરેગાને પણ સામેલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આ પણ વાંચો: બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકો ડૂબ્યાં, 8ના મોત; રાજસ્થાનમાં મોટી દુર્ઘટના
2006માં થઈ હતી શરુઆત
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના(MNREGS)ની શરુઆત 2006-07માં દેશના સૌથી પછાત 200 ગ્રામીણ જિલ્લાઓમાં કરવામાં આવી હતી. ત્યારબાદ મનરેગાને 2007-08માં વધુ 130 જિલ્લાઓમાં ફેલાવવામાં આવી અને 2008-09માં આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી. આ યોજનાની માંગમાં 2020-21 દરમિયાન મોટો ઉછાળો જોવા મળ્યો, જ્યારે કોવિડ-19 મહામારી દરમિયાન રૅકોર્ડ 7.55 કરોડ ગ્રામીણ પરિવારોએ આ હેઠળ કામ મેળવ્યું. જોકે, ત્યારથી આ યોજના હેઠળ કામ કરતાં પરિવારોની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળ્યો છે.