Tejas LCA Mark-1A: લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ફાઇટર જેટ બનાવવાવાળી સરકારી એવિએશન કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ના નવા CMD નું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે. સરકારે HALના ઓપરેશન્સ ડાયરેક્ટર રવિ કે.(Kota Ravi)ને નવા ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટરની જવાબદારી સોંપી છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે HAL લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA) તેજસ ફાઇટર જેટની ડિલિવરી કરવામાં સતત મોડું થઈ રહ્યું છે.
હાલના CMD ડિકે સુનિલ આ વર્ષે 30 એપ્રિલ 2026ના રોજ નિવૃત થઈ રહ્યા છે, તે બાદ રવિ HALની કમાન સંભાળશે. મિકેનિકલ એન્જિનિયરિંગ અને IIM અમદાવાદ સાથે ફ્રાંસમાં ઉચ્ચ શિક્ષણ લીધા બાદ છેલ્લા 30 વર્ષોથી રવિ એવિએશન સેક્ટર સાથે જોડાયેલા છે.ઓપરેશન્સ ડાયરેક્ટર રવિ કે. પર હાલ HALની સ્ટ્રેટેજિક અને ફંક્શનલ પ્લાનિંગની જવાબદારી છે. તે ઉપરાંત HALની ક્ષમતાનો વિસ્તાર કરવો અને કંપનીની તરફથી નિર્મિત થતાં એરક્રાફ્ટમાં સ્વદેશીકરણ રાખવું સામેલ છે. રવિ કે.એ HAL દ્વારા નિર્માણ પામેલા લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)-તેજસને ભારતીય વાયુસેનાના ફાઇટિંગ સ્ક્વોડ્રનમાં સામેલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
કયા કયા કાર્યોમાં મહત્વપૂર્ણ ભૂમિકા
વર્ષ 2021: 83 માર્ક-1A, તેજસ ફાઈટર ડીલ
વર્ષ 2025: 97 તેજસ યુદ્ધ વિમાન, 62,370 કરોડનો કરાર
એવી HAL સુવિધાઓ સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી જે દર વર્ષે 16 LCA ફાઇટર જેટનું ઉત્પાદન કરી શકે
મલ્ટી રોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ (MRTA) પ્રોજેક્ટમાં (નોમેની) ડિરેક્ટર તરીકે પણ નિયુક્ત
રવિને તેમના કાર્યકાળ દરમિયાન LCA તેજસ પ્રોજેક્ટમાં થયેલા વિલંબનો સામનો કરવો પડી શકે છે. કારણ કે સ્વદેશી ફાઇટર એરક્રાફ્ટ માટે અમેરિકા તરફથી પૂરા પાડવામાં આવેલા F-404 એરક્રાફ્ટ એન્જિનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અમેરિકા સાથેના હાલના તણાવપૂર્ણ સંબંધો આ વિલંબનું કારણ હોવાનું માનવામાં આવે છે. ત્યારે નવા CMD સામે સમયસર ભારતીય સેનાને તમામ તેજસ મળે અને HALના અન્ય પ્રોજેક્ટ પણ ઝડપથી પૂર્ણ થયા તે પડકાર મોટો હશે.
તેજસના મુખ્ય પ્રકારો
- ઇન્ડિયન એરફોર્સ માટે સિંગલ સીટર ફાઇટર
- ઇન્ડિયન નેવી માટે સિંગલ સીટર ફાઇટર
- ઇન્ડિયન એરફોર્સ માટે ટ્વીન સીટર ટ્રેનર એરક્રાફ્ટ
- ઇન્ડિયન નેવી માટે ટ્વીન સીટર ટ્રેનર વર્ઝન
LCA Mk1A: Tejasનું સૌથી ઉન્નત અને હાઇ-ટેક વર્ઝન
LCA Tejasનું Mk1A વર્ઝન એ અત્યારસુધીનું સૌથી ઍડ્વાન્સ મોડલ છે. જેમાં આધુનિક યુદ્ધ ક્ષમતાને ધ્યાનમાં રાખીને અનેક નવી ટેક્નિકનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેના મુખ્ય ફિચર્સ નીચે પ્રમાણે છે:
- વધારે રેન્જ અને વધુ ચોકસાઈ માટે AESA (એક્ટિવ ઈલેક્ટ્રોનિકલી સ્કેન્ડ એરે) રડાર
- રડાર ચેતવણી અને સેલ્ફ-પ્રોટેક્શન જેમિંગ ક્ષમતા માટે ઍડ્વાન્સ્ડ ઈલેક્ટ્રોનિક વોરફેર (EW)સૂટ
- ડિજિટલ મેપ જનરેટર (DMG)
- સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD)
- કમ્બાઇન્ડ ઇન્ટરોગેટર એન્ડ ટ્રાન્સપોન્ડર (CIT)
- ઉન્નત રેડિયો અલ્ટીમીટર અને અનેક અત્યાધુનિક એવિયોનિક્સ અને સુરક્ષા ફીચર્સ
-Mk1Aની ટેક્નિક તેજસને આધુનિક યુદ્ધક્ષેત્રની ચેતવણીનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવે છે.
તેજસ સ્વદેશી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જે ઇન્ટર ઓપરેબિલિટી, સ્કેલેબિલિટી અને પોર્ટેબિલિટી પ્રદાન કરે છે. બોમ્બ અને મિસાઇલ જેવા લાંબા અંતરના હથિયારને લઈ જવા માટે તેજસ કેપેસિટી વધારે છે. તેજસમાં 9 હાર્ડપોઇન્ટ છે અને તે જરૂરી ચોકસાઈ સાથે લાંબા અંતરના BVR અને WVR મિસાઇલો, બોમ્બ અને અન્ય હથિયારો ચોકસાઈથી ફાયર કરી શકે છે.


