'ધર્મ' નહીં 'મજહબ': ઉદયપુર હત્યાકાંડ મામલે રાહુલ ગાંધી પર ગિરિરાજ સિંહના પ્રહારો
- હિંદુના નામે નફરત અને હિંસા કરનારાઓ હિંદુ નહીં પણ ઢોંગી છેઃ રાહુલ ગાંધીની એક જૂની ટ્વિટને પણ કરી ટાર્ગેટ
નવી દિલ્હી, તા. 29 જૂન 2022, બુધવાર
રાજસ્થાનના ઉદયપુરમાં મંગળવારના રોજ એક દરજીની ધોળા દિવસે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. ઉપરાંત હત્યારાઓએ તાલિબાનોની માફક આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને તેને સોશિયલ મીડિયામાં શેર પણ કર્યો હતો. આ મામલે વિવિધ નેતાઓ તથા રાજકીય દળોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પણ ઉદયપુરની ઘટનાના અનુસંધાને એક ટ્વિટ કરી હતી. જોકે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે આ મામલે રાહુલ ગાંધી પર પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી. હકીકતે રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં 'ધર્મના નામે બર્બરતા' એવો ઉલ્લેખ કર્યો હતો. ત્યારે બેગુસરાયથી ભાજપના સાંસદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીને ટેગ કરીને સલાહ આપતા લખ્યું હતું કે, ધર્મ નહીં.. 'મજહબ'.
શું હતી એ ટ્વિટ
રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, 'ઉદયપુરમાં થયેલી જઘન્ય હત્યાથી હું ખૂબ જ સ્તબ્ધ છું. ધર્મના નામે બર્બરતા સહન ન કરી શકાય. આ હેવાનિયતથી આતંક ફેલાવનારાઓને ઝડપથી આકરી સજા મળે. આપણે સૌએ સાથે મળીને નફરતને હરાવવાની છે. હું સૌને વિનંતી કરૂં છું કે, મહેરબાની કરીને શાંતિ અને ભાઈચારો જાળવી રાખો.'
ત્યાર બાદ ગિરિરાજ સિંહે રાહુલ ગાંધીની 28 ઓક્ટોબર 2021ની એક ટ્વિટને ટેગ કરીને સવાલ કર્યો હતો કે, 'આમના ત્રિપુરાના ભાઈઓએ રાજસ્થાનમાં આ શું કરી દીધું?'
તે ટ્વિટમાં રાહુલ ગાંધીએ ત્રિપુરાની સાંપ્રદાયિક ઘટના અંગે લખ્યું હતું કે, 'ત્રિપુરામાં આપણા મુસલમાન ભાઈઓ પર ક્રૂરતા થઈ રહી છે. હિંદુના નામે નફરત અને હિંસા કરનારાઓ હિંદુ નહીં પણ ઢોંગી છે. સરકાર ક્યાં સુધી આંધળી-બહેરી હોવાનું નાટક કરતી રહેશે?'
વધુ વાંચોઃ ઉદયપુરમાં નુપુરના સમર્થનમાં પોસ્ટ મૂકવા બદલ ગળુ કાપી હત્યા, બે આરોપી પકડાયા