દ્વિતીય ક્વાર્ટરમાં 7.35% GDP ગ્રોથનો અંદાજ પણ મોંઘવારીએ ચિંતા વધારી: નાણા મંત્રાલયનો નવો રિપોર્ટ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India GDP Growth Report : નાણા મંત્રાલયના તાજેતરના અંદાજ અનુસાર, નાણાકીય વર્ષ 2027ના બીજા ક્વાર્ટર(Q2)માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.35% રહેવાની ધારણા છે. આર્થિક બાબતોના વિભાગના 'નાઉકાસ્ટિંગ' મોડલના આધારે આ તારણ કાઢવામાં આવ્યું છે. આ અગાઉ પ્રથમ ક્વાર્ટર(Q1)માં દેશનો વિકાસ દર 7.8% નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અનેક આર્થિક પડકારો હોવા છતાં ભારતીય અર્થતંત્ર સતત મજબૂત ગતિએ આગળ વધી રહ્યું હોવાનું મંત્રાલયના ઑક્ટોબર મહિનાના આર્થિક અહેવાલમાં જણાવાયું છે.
ભારતમાં GDP ગ્રોથ છતાં 4 મુખ્ય ચિંતા
નાણા મંત્રાલયે સાવચેત કર્યા છે કેસ આગામી મહિનાઓમાં અર્થતંત્ર સામે અમુક જોખમો યથાવત્ રહી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના વધતા ભાવ, ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારી, ખરીફ પાક અંગેની અનિશ્ચિતતા અને વિશ્વ સ્તરે છવાયેલી આર્થિક મંદી મુખ્ય ચિંતાઓ છે. વર્ષના બીજા ભાગમાં સરકાર અને નીતિ ઘડવૈયાઓનું મુખ્ય ધ્યાન આર્થિક વૃદ્ધિ જાળવી રાખવાની સાથે મોંઘવારીને નિયંત્રણમાં રાખવા પર રહેશે.
વૈશ્વિક મંદી વચ્ચે ભારતનું દમદાર પ્રદર્શન
આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ(IMF)ના ઑક્ટોબર 2026ના અહેવાલ મુજબ, વર્ષ 2026માં વૈશ્વિક વિકાસ દર ઘટીને 3.1% રહેવાની શક્યતા છે. જ્યારે બીજી તરફ ભારતીય અર્થતંત્ર વધુ સ્થિર અને મજબૂત જોવા મળી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન, વીજળી વપરાશ, પોર્ટ પર માલસામાનની હેરફેર, GST કલેક્શન અને વાહનોના વેચાણ જેવા મહત્ત્વના આંકડાઓમાં બીજા ક્વાર્ટર દરમિયાન સારો એવો વધારો જોવા મળ્યો છે.
દેશના વિકાસ દરને લઈને મુખ્ય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના અંદાજો
- નાણા મંત્રાલય Q2 અંદાજ : 7.35%
- IMF FY27 વૃદ્ધિ અંદાજ : 7.0%
- World Bank : 7.1%
- OECD: 7.1%
- RBI : 7.1%
રિટેલ મોંઘવારીમાં ફરી ઉછાળો
સપ્ટેમ્બર 2026માં છૂટક ફુગાવો (CPI) વધીને 5.54% પર પહોંચી ગયો હતો, જે ઑગસ્ટ મહિના કરતાં 71 બેસિસ પોઇન્ટ વધુ છે. આ વધારા પાછળ ખાદ્ય પદાર્થોના ઊંચા ભાવ (7.74%) અને ઇંધણની કિંમતોમાં થયેલો વધારો મુખ્ય કારણ છે. જોકે રાહતની વાત એ છે કે વપરાશની બાસ્કેટમાં આવતી લગભગ 64% ચીજોનો ફુગાવો હજુ પણ RBIના 4%ના લક્ષ્યાંકથી નીચે અથવા તેની નજીક છે.
RBI દ્વારા વ્યાજદરમાં વધારો
મોંઘવારીનું દબાણ વધતાં ભારતીય રિઝર્વ બૅંકે તાજેતરમાં રેપો રેટમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. આ ઉપરાંત સેન્ટ્રલ બૅંકે પોતાની નીતિ 'ન્યુટ્રલ'થી બદલીને 'કેલિબ્રેટેડ ટાઈટનિંગ' કરી છે, જેનો સ્પષ્ટ અર્થ છે કે જો મોંઘવારી કાબૂમાં નહીં આવે તો આગામી સમયમાં વ્યાજદરમાં વધુ કડકાઈ કરવામાં આવી શકે છે.




