For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

RSS મોડેલ પર ગાંધી કુટુંબ કોંગ્રેસ ચલાવશે : સીધી હાજરી વિના પણ પૂરો કન્ટ્રોલ રાખશે

Updated: Sep 23rd, 2022

Article Content Image

- અઢી દાયકા પછી કોંગ્રેસમાં ચૂંટણી યોજાઈ રહી છે : ગેહલોત પ્રમુખ થશે : બેકસીટથી ગાંધી કુટુંબ પક્ષ ચલાવશે

નવી દિલ્હી : ૧૯૯૮ પછીથી સોનિયા ગાંધી પક્ષપ્રમુખપદે રહ્યા છે વચમાં રાહુલ ગાંધીએ લગામ સંભાળી હતી. ૨૦૧૯ની ચૂંટણી પછી પદ છોડી દીધું હતું તે પછી સોનિયા ગાંધી અંતરિમ અધ્યક્ષ બન્યા.

હવે આશરે અઢી દાયકા પછી કોંગ્રેસ પ્રમુખપદની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં ગાંધી કુટુંબ સ્પર્ધામાંથી બહાર છે. વાત બહુ સ્પષ્ટ છે કે, અશોક ગેહલોત, શશી થરૂર કે અન્ય કોઈપણ નેતા પક્ષપ્રમુખ બને ત્યારે ગાંધી કુટુંબ બેકસીટ પર હશે કુટુમ્બનો જ પક્ષ ઉપર સીધો કાબૂ રહ્યો છે તેથી ભાજપ સતત કોંગ્રેસ પર હુમલા કરી જ રહ્યો, તેની ઉપર પરિવારવારવાદના આક્ષેપો કરી રહ્યો હતો. ત્યાં સુધી કહેવાતું હતું કે, કોંગ્રેસ પ્રમુખપદ તો એક જ કુટુમ્બ માટે રિઝર્વ્ડ છે.

પરંતુ દાયકાઓ પછી કોંગ્રેસ સંપૂર્ણ પરિવર્તનના મૂડમાં છે તેવું લાગે છે કે તે માટે તે RSS પાસેથી 'શિક્ષણ' લઈ રહી છે પછી ભલે તે કોંગ્રેસનું કટ્ટર શત્રુ હોય પણ કોંગ્રેસ જાણે છે કે ભાજપ ભલે RSS નું આનુષાંગિક સંગઠન કહેવાતું હોય છતાં આર.એસ.એસે કદી તેનું નેતૃત્વ લીધું જ નથી છતાં પોતાના અગ્રીમોને ભાજપના મંત્રીપદે મોકલતું રહે છે અને પર્દા પાછળથી પાર્ટી (ભાજપ)ને સંભાળે છે. જેમ કે, 'જિન્ના પ્રકરણ' પછી અડવાણીના ત્યાગપત્રની વાત હોય કે નીતિન ગડકરીને પક્ષપ્રમુખ બનાવવાની વાત હોય આવા તમામ મહત્ત્વના મુદ્દાઓ ઉપર છેલ્લા બે દાયકામાં થયેલા ફેરફારો સંઘના ઇશારે જ થઈ રહ્યા હતા.

આમ છતાં સંઘ સીધી રીતે ભાજપ સાથે રાજકારણમાં જોડાયેલો નથી રહ્યો.

આ રણનીતિ પર જ ગાંધી પરિવાર હવે ચાલશે તેમ લાગે છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી કે પ્રિયંકા ગાંધી જ મુખ્યતઃ તો કોંગ્રેસના ચહેરા બની રહ્યા હતા. તેથી તો પરિવારવાદની ટીકા ચાલી હતી. હવે તો ટીકા તો નહીં જ થાય.

એક સમયે તો કોંગ્રેસ દલિત, મુસ્લિમ અને બ્રાહ્મણ સહિત કેટલાય સામાજિક વર્ગોની પાર્ટી હતી પરંતુ છેલ્લા કેટલાક દશકોમાં તેની વોટબેન્ક ઘટતી ગઈ. બ્રાહ્મણો, મુસ્લિમો કે દલિતો તેની પાસે નથી રહ્યા ઉપરાંત OBC  વોટમાં પણ તેની દાવેદારી ઘટી રહી છે. તેવામાં અશોક ગેહલોત જેવાને જો પક્ષની ધુરા સોંપે તો ઓછામાં ઓછો તે વર્ગમાં તો તેનો પ્રભાવ રહે તેવી ગણતરી છે, વળી ગેહલોત ગાંધી કુટુંબ 'માનીતા' હોવાથી ગાંધી કુટુંબ બેકસીટ ડ્રાઇવર બની જ રહેશે તે વાત સ્પષ્ટ છે.

Gujarat