'ગમે ત્યારે થઈ શકે છે વિશ્વ યુદ્ધ, સુપરપાવર દેશોની તાનાશાહીના કારણે સંઘર્ષનો માહોલ', નીતિન ગડકરીનું મોટું નિવેદન
Nitin Gadkari: કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ત્રીજું વિશ્વ યુદ્ધ થવાની આગાહી કરી છે. તેમણે એક પુસ્તક વિમોચન કાર્યક્રમમાં વર્તમાન જિઓ-પોલિટિકલ ક્રાઈસિસને ધ્યાનમાં લેતાં ગમેત્યારે વિશ્વ યુદ્ધ થવાની વાત કરી છે. તેમણે કહ્યું કે, મહાસત્તા ધરાવતા દેશોની તાનાશાહી અને સરમુખત્યારશાહીના કારણે વિશ્વમાં શાંતિ, પ્રેમ અને એકતા દૂર થઈ રહી છે. ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.
નીતિન ગડકરીએ નાગપુરમાં 'બિયોન્ડ બોર્ડર્સ' નામના પુસ્તકના વિમોચન કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હાલ ચાલી રહેલા બે યુદ્ધ (રશિયા-યુક્રેન, ઈરાન-ઈઝરાયલ)ના કારણે ગમે ત્યારે વિશ્વ યુદ્ધ થવાની સંભાવના વધી છે.
આ યુદ્ધે અનેકના જીવ લીધાઃ ગડકરી
ગડકરીએ રશિયા-યુક્રેન અને ઈઝરાયલ-ઈરાન યુદ્ધનું ઉદાહરણ આપતાં કહ્યું કે, આ યુદ્ધે અનેકના જીવ લીધા છે. વિશ્વ અને રાષ્ટ્રીય અર્થતંત્રોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. વિશ્વમાં વધી રહેલી એડવાન્સ ટેક્નોલોજી અને ચાલી રહેલા યુદ્ધ તથા તણાવના કારણે વિશ્વમાં લોકોની સુરક્ષા કરવી મુશ્કેલ બની રહી છે. માનવ મૂલ્યોને જાળવવામાં પણ પડકારો નડી રહ્યા છે.
ભારતે અહિંસા, સત્ય અને શાંતિનો સંદેશ આપ્યો
ગડકરીએ ભારતના સાંસ્કૃતિક વારસાના વખાણ કરતાં કહ્યું કે, ભગવાન બુદ્ધની ધરતી ભારતે વિશ્વને અહિંસા, શાંતિ અને સત્યનો સંદેશ આપ્યો છે, વિશ્વના લોકો સુધી પહોંચાડ્યો છે. આધુનિક ટેક્નોલોજીના કારણે યુદ્ધ કરવાની રીત પણ બદલાઈ છે. હવે ટેન્ક અને પારંપારિક વિમાનનો ઉપયોગ ઘટ્યો છે. મિસાઈલ અને ડ્રોન વડે હુમલાઓ વધ્યા છે. નાગરિકોને ભારે નુકસાન થઈ રહ્યું છે. આ એક ગંભીર સમસ્યા છે. જેના પર વૈશ્વિક સ્તરે ચર્ચાઓ થવી જોઈએ.