કોરોનાની મોકાણ વચ્ચે ફ્રાન્સની આઈટી કંપનીએ ભારતીય કર્મચારીઓને પગારવધારો આપ્યો
- લોકડાઉનમાં ફસાયેલા કર્મચારીને એકોમોડેશન માટે વધારાના રૂ. 10,000 આપશે
- જે કર્મચારી પાસે કોઈ પ્રોજેક્ટ નહીં હોય તેને પણ પગાર મળતો રહેશે
નવી દિલ્હી, તા. 15 એપ્રિલ 2020, બુધવાર
કોરોના મહામારીના કારણે આખી દુનિયાનું અર્થતંત્ર મંદી તરફ ધકેલાઈ રહ્યું છે અને મોટા ભાગની કંપનીઓ હજારો કર્મચારીઓને કામ પરથી છૂટા કરી રહી છે. આ ઉપરાંત મોટા ભાગની કંપનીઓએ આ વર્ષે પ્રમોશન અને પગારવધારા પર પ્રતિબંધ મુક્યો છે. ત્યારે આ સંજોગોમાં ફ્રાન્સની આઈટી કંપની કેપજેમિનીએ પોતાના કર્મચારીઓનું મનોબળ અને વિશ્વાસ વધારવા આકર્ષક પગારવધારાની જાહેરાત કરી છે.
કંપનીના 1.2 લાખ કર્મચારીઓ ભારતમાં છે.
કેપજેમિની નામની આ ફ્રેન્ચ આઈટી કંપનીમાં કુલ બે લાખ કર્મચારીઓ કામ કરે છે અને તે પૈકીના 1.2 લાખ કર્મચારીઓ ભારતમાં કામ કરે છે. કંપનીએ ભારતમાં કામ કરતા 70 ટકા કર્મચારીઓને હાઈ સિંગલ ડિજિટ પગારવધારો આપ્યો છે. મતલબ કે, કંપનીએ 84,000 કર્મચારીઓને પગારવધારાનો લાભ આપ્યો છે જે પહેલી એપ્રિલથી લાગુ થશે.
એકોમોડેશન માટે અલગથી 10,000 આપશે
જો કંપનીનો કોઈ કર્મચારી લોકડાઉનના કારણે ક્યાંય ફસાઈ ગયો હશે તો તેને એકોમોડેશનના વધારાના 10,000 રૂપિયા અલગથી રોકડા આપવામાં આવશે. હાલમાં મંદીના કારણે આઈટી કંપનીઓ પાસે નવા પ્રોજેક્ટ્સ નથી આવી રહ્યા ત્યારે ફ્રેન્ચ કંપનીએ જે કર્મચારી પાસે કોઈ પ્રોજેક્ટ નહીં હોય તેને પણ પગાર મળતો રહેશે તેવી જાહેરાત કરી છે.