બિહારમાં મોટો રાજકીય ઘટનાક્રમ, RCP સિંહની પાર્ટીનું PKની જનસુરાજમાં વિલયનું એલાન
Bihar Assembly Election: બિહાર વિધાનસભા ચૂંટણી પહેલાં જ મુખ્યમંત્રી નીતિશ કુમારના ક્યારેક અત્યંત અંગત ગણાતા આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાઈ ગયા છે. આ સાથે તેમની પાર્ટીનો પણ પીકેની પાર્ટીમાં વિલય કર્યાનું એલાન કર્યું છે. જે નીતિશ કુમાર માટે મોટો ઝટકો મનાઈ રહ્યો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી આરસીપી સિંહ (રામચંદ્ર પ્રસાદ સિંહ) એક દિગ્ગજ અનુભવી નેતા તરીકે છાપ ધરાવે છે. તેઓ જેડીયુના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. નીતિશ કુમારના બે વિરોધી મજબૂત નેતા એક થતાં જ બિહાર રાજકારણમાં ખળભળાટ મચ્યો છે.
આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોર સાથે
ચૂંટણીના રણનીતિકારથી રાજનેતા બનેલા પ્રશાંત કિશોર આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કમારના ગામ કલ્યાણ બિગહા પહોંચ્યા છે. જ્યાં આરસીપી સિંહ પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીમાં જોડાયા છે. તેમજ આરસીપી સિંહનો પક્ષ ‘આસા’નો પણ જન સુરાજમાં વિલય કર્યો છે. આરસીપી સિંહ હવે પ્રશાંત કિશોર સાથે નવી રાજકીય ઈનિંગની શરૂઆત કરશે.
આરસીપી સિંહના અનુભવનો લાભ મળશેઃ પ્રશાંત કિશોર
પ્રશાંત કિશોરે એક પ્રેસ કોન્ફરન્સમાં જ આ વિલય અંગે અગાઉ માહિતી આપી દીધી હીતી કે, આરસીપી સિહં અને પ્રશાંત કિશોર એક સાથે મળીને કામ કરશે. આરસીપી સિંહ પાસે જૂનો સામાજિક અનુભવ છે. તેઓ સરકારી અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. રાજકીય સંગઠનનો બહોળા અનુભવનો લાભ જન સુરાજ પાર્ટીને મળશે.
જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો આરસીપી સિંહે
આરસીપી સિંહ એક સમયે નીતિશ કુમારના અત્યંત અંગત વ્યક્તિઓ પૈકી એક હતાં. પરંતુ બંને વચ્ચે મતભેદો વધતાં આરસીપીએ જેડીયુ સાથે છેડો ફાડ્યો હતો. બાદમાં તેઓ ભાજપ સાથે જોડાયા હતા. પરંતુ ત્યાં પણ લાંબો સમય સુધી રહ્યા નહીં. અને ભાજપ સાથે ચેડો ફાડ્યા બાદ પોતાનો નવો પક્ષ AASA (આસા) બનાવ્યો. આરસીપી સિંહે આ વિલય અંગે જણાવ્યું છે કે, એક સપ્તાહ પહેલાં જ નક્કી કરી લીધુ હતું કે, 18 તારીખે આ કામ પૂર્ણ કરીશ. આજે રવિવારે ભગવાન સૂર્યનો દિવસ છે. આજે બંને પક્ષનો વિલય અત્યંત શુભ છે.