નવી દિલ્હી, તા. 5 એપ્રિલ 2020, રવિવાર
કોરોના વાઈરસના કારણે સમગ્ર દેશમાં લોકડાઉન વચ્ચે પોલીસ દિલ્હીના નિઝામુદ્દિન મરકઝના સંમેલનમાં ભાગ લેનારા તબલિગી જમાતના લોકોને શોધી રહી છે. આવા સમયમાં તબલિગી જમાતના કેટલાક લોકો દેશ છોડીને મલેશિયા ભાગવાની ફિરાકમાં હતા. દિલ્હીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ઈમિગ્રેશન અધિકારીઓએ આવા આઠ લોકોને પોલીસને સોંપી દીધા હતા.
દિલ્હી એરપોર્ટ પરથી પકડાયેલા આ લોકો મલેશિયાના નાગિરક છે અને તેમણે દિલ્હીના નિઝામુદ્દિન મરકઝના સંમેલનમાં ભાગ લીધો હોવાની આશંકા સેવાઈ રહી છે. આ વાતને અધિકારીઓથી છુપાવતાં તેઓ મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતા. ઈમિગ્રેશન અધિકારીઓએ જણાવ્યું કે આ મલેશિયન નાગરિકો તબલિગી જમાતના સભ્યો હોવાની જાણ થયા પછી તેમને વિમાનમાંથી ઉતારી મુકાયા હતા.
હાલ આંતરરાષ્ટ્રી વિમાની સેવા બંધ છે, પરંતુ આ રેસ્ક્યુ ફ્લાઈટ હતી, જે મલેશિયાના નાગિરકોને લઈને રવાના થવાની હતી. રવિવારે બપોરે અંદાજે ૧૨.૩૦ વાગ્યે મેલિન્ડા એરનું એક વિમાન મલેશિયન નાગરિકોને લઈને મુંબઈથી વાયા દિલ્હી કુઆલાલુમ્પુર જવા માટે તૈયાર હતું. આ સમયે તબલિગી જમાતના આ આઠ લોકોને વિમાનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા. ત્યાર પછી તેમને દિલ્હી પોલીસને સોંપી દેવાયા હતા. આ બધાને ક્વોરન્ટિન કરાયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ લોકો દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં છુપાયા હતા અને રવિવારે દેશમાંથતી ભાગવા માટે દિલ્હી એરપોર્ટ પર એકત્ર થયા હતા.
તાજેતરમાં દિલ્હીના નિઝામુદ્દિન ખાતે તબલિગી જમાતની મરકઝમાંથી અંદાજે બે હજાર લોકોને બહાર કઢાયા હતા. ગૃહમંત્રાલયના જણાવ્યા મુજબ ભારતીયો સાથે અનેક વિદેશી નાગરિકોએ મરકઝના ધાર્મિક સંમેલનમાં ભાગ લીધો હતો, તેમાંથી મોટી સંખ્યામાં લોકો કોરોના સંક્રમિત હોવાનું જણાયું છે.


