લગ્નની ખુશી માતમમાં ફેરવાઈ: UPમાં વરરાજાની કાર પર દીવાલ સાથે ટકરાઈ, વર સહિત પાંચ લોકોના મોત
UP Accident Incident : યુપીના સંભલ સ્થિત ચંદૌસીના જુનાવઈ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મેરઠ-બદાયૂ હાઈવે પર આજે શુક્રવારે (4 જુલાઈ) ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં વરરાજાની કાર કાબુમાં ન રહેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કાર હાઇવે પરની એક ઇન્ટર કોલેજની દીવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ દુર્ઘટનામાં હરગોવિંદપુર ગામના રહેવાસી વરરાજા સૂરજ (ઉં.વ.20) સહિત પાંચ લોકોના મોત નીપજ્યા હતા.
ગંભીર અકસ્માતની ઘટનામાં વરરાજા સહિત પાંચના મોત
યુપીના જુનાવઈમાં વરરાજાનો અકસ્માત થયો હતો. ગમખ્વાર અકસ્માતના બનાવને લઈને પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી પહોંચ્યા હતા. હરગોવિંદપુર ગામના રહેવાસી સુખરામે તેના પુત્ર સૂરજના લગ્ન સિરસૌલ ગામના રહેવાસી રાજુની પુત્રી અંશુ સાથે નક્કી કર્યા હતા.
આજે શુક્રવારે સાંજે જાન સિરસૌલ ગામ જઈ રહી હતી. જેમાં જાનૈયાઓની 11 ગાડીઓ પહેલાથી સિરસૌલ જવા માટે રવાના થઈ ગઈ હતી. આ સાથે એક બોલેરો કાર પણ પાછળ આવી રહી હતી. જેમાં સૂરજ નામના વરરાજા સહિત લાલ સિંહની પત્ની આશા (ઉં.વ.26), લાલ સિંહની પુત્રી હિમાંશી (ઉં.વ.3), બુલંદશહર જિલ્લાના હિંદવાડા ગામ રહેવાસી ટીટુ સિંહનો પુત્ર દેવા ઉર્ફે સચિન અને સચિનનો બે વર્ષનો પુત્ર બેઠા હતા.
જુનાવઈના મેરઠ-બદાયુ હાઈવે પર જનતા ઇન્ટર કોલેજ પાસે અચાનક વરરાજાની કાર બેકાબૂ થતાં સીધી કોલેજની દીવાલ સાથે અથડાઈ હતી. ધડાકાભેર કાર ટકરાતા સવાર તમામ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી.
સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચતાની સાથે કારમાં સવાર તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડૉક્ટરે વરરાજા સહિત પાંચને મૃત જાહેર કર્યા હતા.