હિમાચલમાં મેઘતાંડવ બાદ ફરી ઍલર્ટ... વરસાદી આફતમાં 63ના મોત, અનેક લોકો ગુમ, 400 કરોડનું નુકસાન
Himachal Pradesh IMD Rain Forecast : મેઘરાજાએ હિમાચલમાં ભયાનક તબાહી સર્જી રોડ, રસ્તા, મકાનો બધું જ વેરવિખેર કરી નાખ્યું છે. સૌથી વધુ મેઘતાંડવનો સામનો કરનારા કાંગડા, મંડી, ચંબા અને શિમલામાં પૂર સહિત ભૂસ્ખલનની અનેક ઘટનાઓ બની છે, જેમાં અત્યાર સુધીમાં 63 લોકોએ જીવ ગુમાવ્યા છે. સૌથી વધુ મંડી જિલ્લામાં જાનહાની સર્જાઈ છે, જ્યાં 17 લોકોના મોત અને 40થી વધુ લોકો ગુમ થઈ ગયા છે. જ્યારથી મેઘતાંડવ સર્જાયું, ત્યારથી અનેક લોકોને બચાવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે, જોકે સતત વરસાદના કારણે રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણો ઊભી થઈ રહી છે.
હિમાચલ પર વધુ આફતના એંધાણ
ભારે વરસાદ અને પૂરના કારણે અનેક જિલ્લાઓમાં રસ્તાઓ ધોવાઈ ગયા છે. આ સાથે અનેક પુલો પણ પાણીમાં વહી ગયા છે. હવામાન વિભાગની આગાહી મુજબ હિમાચલમાં હજુ પણ મેઘતાંડવ ખતમ થવાની સંભાવના દેખાતી નથી. રાજ્યમાં વધુ આફતના એંધાણ જોવા મળી રહ્યા હોય, તેમ હવામાન વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં સાત જુલાઈ સુધી ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે. રાજ્ય સરકારે કહ્યું કે, હિમાચલ પર આવી ચઢેલી કુદરતી આફતના કારણે ઓછામાં ઓછા 400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
હિમાચલમાં વરસાદ અને ભૂસ્ખલનની ઘટના યથાવત્
હિમાચલ પ્રદેશમાં 20 જૂને ચોમાસાનો પ્રવેશ થયો હતો. ત્યારબાદ મેઘતાંડવના કારણે અનેક ગામડાઓ સંપૂર્ણ નાશ પામ્યા છે. રાજ્યમાં હજુ પણ અનેક નદીઓ ઉછાળા મારી રહી છે, આ ઉપરાંત મેઘરાજા પણ શાંત પડવાનું નામ લેતા નથી. હજુ પણ રસ્તાઓ પર ભૂસ્ખલન થઈ રહ્યું છે. રાજ્યમાં તમામ સંપર્કો ખોરવાઈ ગયા હોય તેમ, 500થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે. વરસાદ બાદ 500થી વધુ વીજળીના ટ્રાન્સફોર્મર ખરાબ થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જેના કારણે હજુ પણ અનેક લોકો અંધારામાં રાત પસાર કરી રહ્યા છે.
અનેક લોકો ઘરવિહોણા થયા
રાજધાની શિમલા, મંડી, બિલાસપુર, હમીરપુર, કિન્નૌર, કુલ્લૂ, લાહૌલ સ્પીતિ, સિરમૌર, સોલન અને ઊના જિલ્લામાં પણ અનેકના મોત થયા છે. રાજ્યભરમાં 100થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ભૂસ્ખલનમાં અનેક લોકો ઘરવિહોણા થઈ ગયા છે, જ્યારે ભયજનક સપાટી પર વહી રહેલી નદીઓના કારણે 14 પુલ વહી ગયા છે. સૌથી વધુ મંડીમાં મેઘતાંડવ સર્જાતા 17 લોકોના મોત થયા છે, જ્યારે કાંગડામાં 13, ચંબામાં 6 અને શિમલામાં પાંચ લોકોના મોત થયા છે.