Get The App

બુલેટ ટ્રેન પાછળ બજેટ કરતાં 'ડબલ' ખર્ચો તો પણ પ્રોજેક્ટમાં 4 વર્ષનો વિલંબ, શું છે કારણ?

Updated: Jan 3rd, 2026

GS TEAM

Google News
Google News
First Bullet Train Project:


9IMAGE - IANS)

First Bullet Train Project: ભારતનો અત્યંત મહત્વકાંક્ષી પ્રોજેક્ટ 'અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ રેલ કોરિડોર'(બુલેટ ટ્રેન) અત્યારે ચર્ચામાં છે. પ્રોજેક્ટમાં થયેલા ચાર વર્ષના વિલંબને કારણે તેની અંદાજિત કિંમતમાં 83%નો વધારો થયો છે. જે પ્રોજેક્ટ શરૂઆતમાં ₹1.1 લાખ કરોડમાં મંજૂર થયો હતો, તેનો ખર્ચ હવે વધીને આશરે ₹1.98 લાખ કરોડ સુધી પહોંચવાની શક્યતા છે.

મૂળ ડેડલાઇનમાં ફેરફાર

ભારતમાં મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર માટેની મૂળ સમયમર્યાદા ડિસેમ્બર 2023 નક્કી કરવામાં આવી હતી, પરંતુ જમીન સંપાદનમાં નડતરરૂપ વિલંબ અને કોવિડ-19 મહામારીને કારણે સર્જાયેલા અવરોધોને લીધે આ ડેડલાઇન ચૂકી જવાઈ હતી. હવે આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને તબક્કાવાર રીતે પૂર્ણ કરવા માટે નવી સમયમર્યાદા જાહેર કરવામાં આવી છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની જાહેરાત મુજબ, ભારતની પ્રથમ બુલેટ ટ્રેન 15 ઓગસ્ટ, 2027ના રોજ સુરત અને બિલીમોરા વચ્ચેના ટ્રેક પર દોડતી થશે. જ્યારે, સમગ્ર 508 કિમી લાંબો મુંબઈ-અમદાવાદ કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે તેવી ધારણા છે.

ખર્ચમાં વધારાનું મુખ્ય કારણ શું?

નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL) અને રેલવે બોર્ડના જણાવ્યા અનુસાર, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ખર્ચમાં થયેલા તોતિંગ વધારા પાછળ મુખ્યત્વે ત્રણ કારણો જવાબદાર છે. જેમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન સંપાદનની જટિલ પ્રક્રિયામાં અપેક્ષા કરતાં વધુ સમય લાગવો, વિવિધ વૈધાનિક અને પર્યાવરણીય મંજૂરીઓ મેળવવામાં થયેલો વિલંબ તથા ટ્રેનના રોલિંગ સ્ટોકની (આપણે કયા પ્રકારની ટ્રેન ખરીદવી, તે કેટલામાં પડશે અને તે ભારતના વાતાવરણમાં સેટ થશે કે નહીં, એ નક્કી કરવામાં જે સમય બગડ્યો) પસંદગીમાં દેરી જેવી બાબતોનો સમાવેશ થાય છે. 

વિષય પર વધુ સ્પષ્ટતા આપતા રેલવે બોર્ડના ચેરમેન સતીશ કુમારે જણાવ્યું હતું કે, સુધારેલા ખર્ચના આંકડાઓને લઈને અત્યારે પુનરીક્ષણ ચાલુ છે અને આગામી એક-બે મહિનામાં તેને આખરી ઓપ આપી દેવામાં આવશે, જોકે તેની અંતિમ મંજૂરી મળવાની હજુ બાકી છે.

આ પણ વાંચો: બંગાળમાં SIRમાં પડદાં પાછળ ચાલી રહ્યો હતો 'ખેલ'! 4 અધિકારીઓ પર FIRનો ચૂંટણી પંચનો આદેશ

પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ 

બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો, 30 નવેમ્બર સુધીમાં આ પ્રોજેક્ટની ભૌતિક પ્રગતિ 55.6% એ પહોંચી છે, જ્યારે 69.6% નાણાકીય પ્રગતિ સાથે અત્યાર સુધીમાં કુલ ₹85,801 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ સુરતથી બિલીમોરા વચ્ચેનો પ્રથમ તબક્કો ઓગસ્ટ 2027માં શરૂ કરવાનું આયોજન છે, જ્યારે સમગ્ર 508 કિમીનો કોરિડોર ડિસેમ્બર 2029 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોટી સિદ્ધિ હાંસલ કરતા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વિરાર અને બોઈસર સ્ટેશનો વચ્ચે 1.5 કિલોમીટર લાંબી પર્વતીય ટનલનું સફળતાપૂર્વક 'બ્રેકથ્રુ' કરાવ્યું છે. મહારાષ્ટ્રમાં આ પ્રકારની આ બીજી મોટી સફળતા છે, જે અગાઉ સપ્ટેમ્બર 2025માં થાણે અને BKC વચ્ચે 5 કિમી લાંબી ભૂગર્ભ સુરંગના નિર્માણ બાદ મળી છે.

ઝડપ અને પર્યાવરણનો સમન્વય

આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માત્ર મુસાફરીની ઝડપમાં જ ક્રાંતિ નહીં લાવે, પરંતુ પર્યાવરણના જતન માટે પણ વરદાન સાબિત થશે. આ ટ્રેન 320 કિમી/કલાકની સુપરફાસ્ટ ઝડપે દોડવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જેમાં ભવિષ્યમાં એડવાન્સ જાપાનીઝ E10 સીરિઝની શિંકાનસેન ટ્રેનોનો ઉપયોગ કરીને ઝડપમાં વધુ 20 કિમી/કલાકનો વધારો કરવાનું પણ આયોજન છે. 

પર્યાવરણની દ્રષ્ટિએ આ પ્રોજેક્ટ અત્યંત મહત્ત્વનો છે, કારણ કે સડક પરિવહનની તુલનામાં તેનાથી કાર્બન ઉત્સર્જનમાં 95% સુધીનો ઘટાડો થવાનો અંદાજ છે. પ્રોજેક્ટના મહત્ત્વને ધ્યાનમાં રાખીને, તાજેતરમાં પીએમ મોદીએ સમીક્ષા બેઠક દરમિયાન રેલવે મંત્રાલયને કામગીરીમાં વધુ ગતિ લાવવા અને નિર્ધારિત સમયમર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે કડક આદેશ આપ્યા છે.