Kolkata West Bengal Voter List Fraud: પશ્ચિમ બંગાળમાં મતદાર યાદીમાં ગેરરીતિ આચરવાના ગંભીર આરોપ હેઠળ ચૂંટણી પંચે 4 વરિષ્ઠ અધિકારીઓ અને એક કર્મચારી સામે FIR દાખલ કરવાનો આદેશ આપી કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે મોયના અને બારુઈપુર પૂર્વમાં ફરજ બજાવતા આ અધિકારીઓએ વાસ્તવિક સ્થિતિની તપાસ કરવાને બદલે ઓફિસમાં બેઠા બેઠા જ નકલી મતદારોને કાયદેસરની માન્યતા આપી દીધી હતી. પંચે આ અધિકારીઓ પર લોકશાહીની પ્રક્રિયા સાથે છેડછાડ કરવાનો અને બોગસ વોટિંગ માટે નકલી નામોને કાયદેસર જાહેર કરવાનો આરોપ મૂક્યો છે.
સોફ્ટવેરે પકડ્યું અધિકારીઓનું જુઠ્ઠાણું
ચૂંટણી પંચના આધુનિક સોફ્ટવેર દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસમાં હજારો એવા નામો સામે આવ્યા હતા જેમાં ભારે વિસંગતતાઓ જોવા મળી હતી. સોફ્ટવેર દ્વારા એવું એલર્ટ આપવામાં આવ્યું હતું કે એક જ મકાન નંબર પર 10, 15 કે 20 જેટલા લોકો નોંધાયેલા છે, જે વ્યવહારિક દ્રષ્ટિએ લગભગ અશક્ય છે. આ ઉપરાંત, એક જ ફોટોગ્રાફ અથવા આઈડી પ્રૂફ પર અનેક અલગ-અલગ નામો નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું. નિયમ અનુસાર, આ પ્રકારની વિસંગતતાઓ જણાતા ERO અને AERO એ રૂબરૂ જઈને તપાસ કરવાની હોય છે, પરંતુ આ અધિકારીઓએ ફિલ્ડમાં જવાની તસ્દી લીધા વિના જ ઓફિસમાં બેઠા-બેઠા સિસ્ટમમાં 'વેરિફાઈડ' બટન દબાવી દઈને નકલી મતદારો પર પોતાની સત્તાવાર મહોર મારી દીધી હતી.
મૃતક મતદારો યાદીમાં 'જીવંત'
તપાસમાં જાણવા મળ્યું કે મોયના વિધાનસભા વિસ્તારમાં અનેક મૃત વ્યક્તિઓના નામ હજુ પણ યાદીમાં જીવંત હતા. મૃત્યુના પ્રમાણપત્રો હોવા છતાં તેમના નામ યાદીમાંથી હટાવવાની પ્રક્રિયા જાણીજોઈને અટકાવી દેવામાં આવી હતી. આ ઉપરાંત, 'અનમેપ્ડ વોટર્સ'(જેમનું સરનામું ચોક્કસ નથી)ને ટ્રેક કરવાને બદલે તેમને યાદીમાં યથાવત રાખવામાં આવ્યા હતા, જેનો ઉપયોગ બોગસ વોટિંગ માટે થઈ શકે છે.
24 લાખ શંકાસ્પદ મતદારો
સમગ્ર રાજ્યમાં અંદાજે 24 લાખ શંકાસ્પદ મતદારો હોવાનું સામે આવ્યું છે. ચૂંટણી પંચનું માનવું છે કે 100 ચોરસ ફૂટના મકાનમાં 25 મતદારોને માન્યતા આપવી એ કોઈ ભૂલ નથી, પરંતુ એક સુનિયોજિત ગુનાહિત કાવતરું છે.
રાજકીય દબાણની તપાસ અને અધિકારીઓને ચેતવણી
આ અધિકારીઓએ કોઈ રાજકીય પક્ષના પ્રભાવ કે દબાણમાં આવીને આ ગેરરીતિ આચરી છે કે કેમ, તે દિશામાં હવે પોલીસ ઊંડી તપાસ હાથ ધરશે. 14 ફેબ્રુઆરીએ અંતિમ મતદાર યાદી જાહેર થવાની છે, તે પૂર્વે લેવાયેલા આ કડક પગલાં અન્ય જિલ્લાના કલેક્ટરો અને વહીવટી અધિકારીઓ માટે સ્પષ્ટ ચેતવણી સમાન છે. આ કાર્યવાહી દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે જો મતદાર યાદીમાં કોઈ પણ પ્રકારની છેતરપિંડી કે ગેરરીતિ સામે આવશે, તો જવાબદાર અધિકારીઓની માત્ર બદલી જ નહીં, પરંતુ તેમણે જેલના સળિયા ગણવાનો પણ વારો આવશે.


