જમ્મુ કાશ્મીરઃ સુરક્ષાદળોને ટાર્ગેટ બનાવીને આતંકીઓનુ અંધાધૂધ ફાયરિંગ
નવી દિલ્હી,તા.11 જૂન 2021,શુક્રવાર
જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ શોપિયાં જિલ્લામાં સુરક્ષા દળો પર ફાયરિંગ કર્યુ છે. જોકે આ મામલામાં કોઈ જાનહાનીના અહેવાલ હજી સુધી મળ્યા નથી.
મળતી વિગતો અનુસાર શોપિયાં જિલ્લામાં તૈનાત સુરક્ષા દળોની એક ટીમ પર આંતકીઓએ દુરથી સંખ્યાબંધ રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતુ. એ પછી આતંકીઓ ફરાર થઈ ગયા હતા. હુમલાખોરોની શોધ માટે ચારે તરફ ઘેરાબંધી કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યુ છે.
સુરક્ષાદળોને નિશાન બનાવવાના આતંકવાદીઓના ષડયંત્રોમાં તાજેતરમાં વધારો થયો છે. આ પહેલી ઘટના નથી જ્યારે જવાનોને ટાર્ગેટ કરાયા હોયઆ પહેલા સોમવારે શ્રીનગર નગર નિગમની બહાર અને ત્રાલમાં આતંકવાદીઓએ વિસ્ફોટકો મુક્યા હતા. જેને નિષ્ક્રિય બનાવવામાં આવ્યા હતા. ત્રાલમાં રસ્તાના કિનારા પર વિસ્ફોટકો મુકવામાં આવ્યા હતા. આ વાતની જાણ થતા રસ્તા પર અવર જવર બંધ કરાવીને આ વિસ્ફોટકોને નિષ્ક્રિય કરાયા હતા. આ રસ્તા પરથી સુરક્ષાદળોના વાહનો અવાર નવાર જતા હોય છે.
તેના પહેલા શનિવારે શ્રીનગરના એક પોલીસ મથકથી 40 મીટર દૂર એક બેગમાં વિસ્ફોટકો પ્લાન્ટ કરાયા હતા. જે પણ શોધી કાઢવામાં આવ્યા હતા. આ બેગ જ્યાં મુકવામાં આવી હતી ત્યાં સામાન્ય રીતે સુરક્ષાદળો તૈનાત રહેતા હોય છે.