પંજાબમાં લાઇવ મેચમાં અંધાધૂંધ ફાયરિંગ, ખેલાડી રાણા બલાચૌરીયાની હત્યા, બંબીહા ગેંગે જવાબદારી લીધી

Firing During Kabaddi Tournament in Punjab: પંજાબના મોહાલી શહેરના બેદવાન સ્પોર્ટ્સ ક્લબ દ્વારા આયોજિત 4 દિવસીય ટુર્નામેન્ટ દરમિયાન આજે (15 ડિસેમ્બર) અંધાધૂંધ ફાયરિંગની ઘટના બની હતી. બાઇક પર આવેલા એક હુમલાખોરે અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં કબડ્ડી ખેલાડી અને પ્રમોટર રાણા બલાચૌરીયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જોકે ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો છે. ફાયરિંગ બાદ હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસે તપાસ હાથ ધરી છે.
ગોપી ઘનશ્યામપુરિયા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટથી લખવામાં આવ્યું છે કે, રાણા બલાચૌરીયા લોરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો અને સિદ્ધૂ મૂસેવાલાના હત્યારાઓને તેણે આશરો આપ્યો હતો. તેને મારીને અમે મૂસેવાલાની હત્યાનો બદલો લઈ લીધો છે.
રાણા બલાચૌરીયા પર થયો હુમલો
બેદવાન સ્પોર્ટ્સ ક્લબમાં ચાલી રહેલા આ કબડ્ડી ટુર્નામેન્ટના પ્રમોટર રાણા બલાચૌરીયા પર જ હુમલો થયો છે. આ હુમલા અંગે વાત કરતા પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, હુમલાખોરે સીધા રાણા બલાચૌરીયાને નિશાન બનાવતા ગોળીબાર કર્યો હતો. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી જતા સમયે હવામાં ફાયરિંગ કરતા ફરાર થઈ ગયો હતો, આ સમયે મેદાનમાં અફરાતફરી મચી ગઈ હતી.
ઘટનાની માહિતી મળતા જ DSP હરસિંહ બલ્લ ઘટના સ્થળે પહોંચ્યા અને ખુદ ઘાયલ રાણા બલાચૌરીયાને હોસ્પિટલ પહોંચાડ્યો હતો. હોસ્પિટલમાં રાણા બલાચૌરીયાનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે અને આરોપીઓની શોધખોળ માટે અલગ અલગ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવી રહ્યા છે.
હુમલાખોર સેલ્ફી લેવાના બહાને આવ્યો હતો નજીક
ક્લબમાં હાજર લોકોનું માનીએ તો હુમલાખોર સેલ્ફી લેવાના બહાને પ્રમોટર રાણા બલાચૌરીયાની નજીક આવ્યો હતો. આ મેચમાં સિંગર મનકીરત ઔલખ પણ આવવાના હતા. તેમના આવવાના અડધા કલાક પહેલા આ હુમલો થયો. સૂત્રોના અનુસાર, આ હુમલા પાછળ બંબીહા ગ્રુપનું નામ બતાવાય રહ્યું છે. જોકે, આ અંગે પંજાબ પોલીસે સત્તાવાર નિવેદન નથી આપ્યું.

