Fire at BJP MP Ravi Shankar Prasad Residence: ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદના દિલ્હી સ્થિત નિવાસસ્થાને આગ લાગવાની ઘટના બની છે. આ દુર્ઘટના બુધવારે સવારે આશરે 8 વાગ્યાની આસપાસ બની હતી. આગ લાગ્યાની જાણ થતા જ ફાયરબ્રિગેડનાં 3 વાહનો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. રવિશંકર પ્રસાદનું આ ઘર દિલ્હીના 21 મધર ટેરેસા ક્રેસન્ટ રોડ પર આવેલું છે.
પોલીસ અને ફાયર વિભાગ દ્વારા આગના કારણોની ઝીણવટભરી તપાસ
આગ ઘરના એક રૂમમાં રાખેલા બેડમાં લાગી હતી. બેડમાંથી અચાનક જ્વાળાઓ નીકળતી જોઈને તરત જ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડની ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો.
રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી કે કોઈ ઘાયલ થયું નથી. હાલમાં ફાયર વિભાગ અને પોલીસની ટીમ આગ લાગવાનું સચોટ કારણ જાણવા માટે ઝીણવટભરી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: મકર સંક્રાંતિએ પ્રયાગરાજથી હરિદ્વાર સુધી લાખો શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર ડૂબકી
આગનું કારણ હજુ અકબંધ
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આગની શરૂઆત બેડથી થઈ હતી, જેને હવે બુઝાવી દેવામાં આવી છે. સદનસીબે જે સમયે આગ લાગી ત્યારે રૂમમાં કોઈ હાજર નહોતું, જેના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
સવારે 8:05 વાગ્યે ફાયર બ્રિગેડને ફોન આવ્યો હતો, જે બાદ ત્રણ ગાડીઓ રવાના કરાઈ હતી. શરૂઆતમાં એડ્રેસને લઈને થોડી મૂંઝવણ હતી, પરંતુ ટીમે સમયસર સાચા લોકેશન પર પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હતી કે પછી બીજું કોઈ કારણ હતું.



