ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત, યુક્રેન મુદ્દે થઈ ચર્ચા
Alexander Stubb-Narendra Modi telephonic conversation : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બુધવારે (27 ઓગસ્ટ) ફિનલેન્ડના રાષ્ટ્રપતિ અલેક્ઝેન્ડર સ્ટબ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે. જેમાં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સ્ટબ વચ્ચે બંને દેશના વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા થઈ. રાષ્ટ્રપતિ સ્ટબે વોશિંગ્ટનમાં યુરોપ, અમેરિકા અને યુક્રેનના નેતાઓ વચ્ચે તાજેતરમાં મળેલી બેઠક પર પોતાના વિચાર રજૂ કર્યા હતા. જેનો ઉદ્દેશ્ય યુક્રેનના સંઘર્ષ મામલે સમાધાનને આગળ વધારવાનો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત હંમેશાથી યુક્રેનના સંઘર્ષમાં શાંતિપૂર્ણ સમાધાન અને સ્થિરતા થાય તેનું સમર્થન કરતું આવ્યું છે.
ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબે PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત
PM મોદી ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સ્ટબ બંને નેતાઓએ ભારત-ફિનલેન્ડ દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિની સમીક્ષા કરી અને ક્વોન્ટમ ટેકનોલોજી, 6G, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર સુરક્ષા અને ટકાઉ વિકાસ જેવા ઉભરતા ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ મજબૂત બનાવવા સંમતિ આપી હોવાનું સામે આવ્યું છે.
રાષ્ટ્રપતિ સ્ટબે ભારત-યુરોપીય (EU) મુક્ત વેપાર કરારના વહેલા અને ફાયદાકારક નિષ્કર્ષ માટે સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે 2026 માં ભારત દ્વારા આયોજિત થનારા AI ઇમ્પેક્ટ સમિટની સફળતા માટે પણ સમર્થન વ્યક્ત કર્યું.
વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ સ્ટબને ભારતની મુલાકાત માટે આમંત્રિત કર્યા છે. જ્યારે બંને નેતાઓએ એકબીજા સાથે સંપર્કમાં રહેવા સહમતિ દાખવી હતી. તમને જણાવી દઈએ કે, રશિય-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે બેઠક યોજી હતી. આ બેઠક પર દુનિયાભરને નજર હતી, પરંતુ આ બેઠક સંપૂર્ણપણે સફળ ન રહી હોવાનું જણાય છે.
જ્યારે અલાસ્કામાં ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ પુતિને કહ્યું હતું કે, 'અમારા વચ્ચે થયેલી વાતચીત સમ્માનીય માહોલમાં થઈ. જ્યાં ટ્રમ્પનું એક પાડોશી તરીકે સ્વાગત કરવામાં આવ્યું અને તેમની સાથે સારા એવા સંપર્ક સાધ્યા હતા. બંને પક્ષ પરિણામ મેળવવા તૈયાર છે. અમારી વાતચીત સકારાત્મક રહી હતી.'