જાણો, દેશમાં બધે ખાખી પરંતુ કોલકતાની પોલીસનો યુનિફોર્મ કેમ સફેદ છે ? અંગ્રેજ શાસન સાથે ધરાવે છે કનેકશન
દેશમાં ખાખી અને પોલીસ એક બીજાનો પર્યાય બની ગયા છે
આઝાદી પછી દેશમાં પોલીસ માટે ખાખી વર્દી અમલમાં આવી હતી
કોલકતા,6 મે 2022,શુક્રવાર
પોલીસ બોલતાની સાથે જ ખાખી વર્દી પહેરેલા માણસનો ચહેરો સામે તરી આવે છે. આમ પણ ખાખી અને પોલીસ એક બીજાના પર્યાય બની ગયા છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં કોલકતા એવું શહેર છે જયાંની પોલીસની વર્દીનો રંગ ખાખી નહી પરંતુ નખશીખ સફેદ છે. પશ્ચિમ બંગાળના પાટનગર કોલકતામાં સફેદ વર્દીમાં સજજ પોલીસ કાયદો અને વ્યવસ્થાના પાલન માટે દોડતી નજરે પડે છે આનું કારણ જાણવું રસપ્રદ છે.
અંગ્રેજોના જમાનામાં એક સમય એવો પણ હતો કે પોલીસ સફેદ વર્દી પહેરાતી હતી પરંતુ સફેદ કાપડ ડયૂટી દરમિયાન મેલું ખૂબ થતું હતું. દરેક શહેરમાં પોલીસની ઓળખ માટે જુદી જુદી વર્દીઓ પણ પહેરવામાં આવતી હતી તેના લીધો પોલીસ સ્ટાફને ઓળખવામાં મુશ્કેલી ઉભી થતી હતી તેના માટે પણ એક સરખી ખાખી વર્દી જરુરી બની ગઇ હતી. એક માહિતી મુજબ ૧૮૪૭માં પ્રથમવાર અંગ્રેજ અફસર હેરી લમ્સડેમે પ્રથમ વાર પોલીસની વર્દીનો રંગ ખાખી પસંદ કર્યો હતો. ત્યાર પછી તો ખાખી રંગ પોલીસ સાથે જોડાઇ ગયો હતો.
આઝાદી પછી ખાખી અપનાવાઇ પરંતુ કોલકતા પોલીસે વર્દી બદલી નહી
૧૯૪૭માં દેશને આઝાદી મળી પરંતુ પોલીસ કાયદાની સાથે વર્દીના રંગમાં પણ કોઇ ફેરફાર થયો નહી. પોલીસની ખાખી વર્દી અને નિયમો અંગ્રેજોના જમાનાથી અમલમાં છે. સ્વતંત્ર ભારતે ખાખી યૂનિફોર્મ અપનાવી લીધો હતો
જયારે પશ્ચિમ બંગાળમાં કોલકટા શહેરની પોલીસે સફેદ કાપડનો યૂનિફોર્મ પહેરવા ટેવાયેલી હોવાથી તેનો વિરોધ કર્યો.તેનું કારણ એવું દર્શાવવામાં આવ્યું કે કોલકતા દરિયાકાંઠે આવેલું વિશાળ શહેર છે. આથી ગરમી અને ભેજનું પ્રમાણ વધારે રહેવાથી પરસેવો ખૂબ થાય છે. આ તર્કનો સ્વીકાર કરવામાં આવ્યો અને કોલકાતા પોલીસને સફેદ વર્દી પહેરવાની છુટ મળી હતી.