India

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે

By GS TEAM
1 Feb 20264 mins read
TukuTouch Logo
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Budget 2026: હવે સ્કૂલોમાં તૈયાર થશે કન્ટેન્ટ ક્રિએટર્સ! 10 લાખ ગેમિંગ એક્સપર્ટને નોકરી અપાશે
AI Image

Budget 2026 : કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે રવિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2026માં ડિજિટલ યુગના ઉભરતા કન્ટેન્ટ ક્રિએટર્સ અને એનિમેશન ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાતો કરી છે. કેન્દ્ર સરકારે દેશમાં એનિમેશન, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ, ગેમિંગ અને કોમિક્સ (AVGC) સેક્ટરની વધતી જતી શક્યતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્ર પર પણ ભાર મૂક્યો છે. 

ગેમિંગ ક્ષેત્રને પણ પ્રોત્સાહન મળશે

બજેટમાં ગેમિંગ ક્ષેત્ર માટે પણ મહત્ત્વની જાહેરાત કરાઈ છે. આ ક્ષેત્ર માટે 10 લાખથી વધુ પ્રોફેશનલને હાયર કરાશે. એક નવી કન્ટેન્ટ ક્રિએટર લેબનું સેટ અપ કરાશે અને તેના થકી લોકોને કન્ટેન્ટ ક્રિએશન શીખવવામાં આવશે. 

દેશભરની સ્કૂલો અને કૉલેજોને જ બનાવાશે કન્ટેન્ટ હબ 

બજેટ ભાષણમાં નાણા મંત્રીએ જાહેરાત કરી હતી કે, દેશભરની 15,000 ઉચ્ચતર માધ્યમિક અને 500 કોલેજોમાં 'કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ' સ્થાપવામાં આવશે. આ પહેલ મુંબઈ સ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટૅક્નોલૉજી'(IICT)ના સહયોગથી શરુ કરાશે. આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને નાનપણથી જ ક્રિએટિવ ટૅક્નોલૉજી અને ડિજિટલ કન્ટેન્ટ નિર્માણની તાલીમ મળશે.

વર્ષ 2030 સુધીમાં 20 લાખ પ્રોફેશનલ્સની જરૂરિયાત એનિમેશન અને ગેમિંગ ઉદ્યોગના મહત્ત્વ પર ભાર મૂકતાં સીતારમણે જણાવ્યું કે, "ભારતનું AVGC સેક્ટર ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2030 સુધીમાં આ ક્ષેત્રમાં 20 લાખ કુશળ પ્રોફેશનલ્સની જરૂરિયાત ઊભી થશે. આ જરૂરિયાતને પહોંચી વળવા માટે શાળાઓ અને કૉલેજોમાં આ પ્રકારની લેબ્સ તૈયાર કરવી અનિવાર્ય છે.’

આ પણ વાંચો: સંરક્ષણથી ટેક્સ અને રેલવેથી હેલ્થ સુધી... બજેટ 2026ની 15 મોટી વાતો

ડિઝાઇનરોની અછત પૂરી કરવા નવી સંસ્થા સ્થપાશે 

ડિઝાઇનિંગ ક્ષેત્રે પણ ભારતે હરણફાળ ભરી છે, પરંતુ હજુ પણ દેશમાં કુશળ ભારતીય ડિઝાઇનરોની અછત વર્તાઈ રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે નાણા મંત્રીએ દેશમાં વધુ એક નવી 'નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાઇન' (NID) સ્થાપવાની દરખાસ્ત મૂકી છે. જેનાથી ડિઝાઇન એજ્યુકેશન અને ડેવલપમેન્ટને વેગ મળશે.

AI અને ટૅક્નોલૉજી પર પણ ભાર 

આ બજેટમાં માત્ર કન્ટેન્ટ જ નહીં, પરંતુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને આધુનિક ટૅક્નોલૉજીના ઉપયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ગેમિંગ અને ટેલિકોમ સેક્ટરમાં નવા સંશોધનો માટે સરકાર ઈકોસિસ્ટમ તૈયાર કરવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે, પહેલીવાર બજેટમાં 'કન્ટેન્ટ ક્રિએટર્સ' અને 'કોમિક બુક્સ' જેવા વિષયોનો અર્થતંત્રના મુખ્ય ભાગ તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે સરકાર હવે ડિજિટલ અર્થતંત્ર અને ક્રિએટિવ ઈકોનોમીને નવી ઓળખ આપી રહી છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતાં જણાવ્યું કે, દેશને સોશિયલ મીડિયા પ્રોફેશનલ્સની જરૂર છે. આ એક ઝડપથી વિકસતો ઉદ્યોગ છે અને 2030 સુધીમાં દેશને આવા 20 લાખ પ્રોફેશનલ્સની જરૂર પડશે. આ બાબતને ધ્યાનમાં રાખીને નાણામંત્રીએ એક નવી યોજનાની જાહેરાત કરી છે. જેના હેઠળ 15,000 માધ્યમિક શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર્સ તૈયાર કરવા માટે લેબ્સ બનાવવામાં આવશે.

IICTની દેખરેખમાં પ્રોજેક્ટ

આ પ્રોજેક્ટ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ક્રિએટિવ ટૅક્નોલૉજી(IICT)ની દેખરેખ હેઠળ હાથ ધરવામાં આવશે, જેને સરકાર સીધો ટેકો આપશે. IICT જ આ શાળાઓમાં કન્ટેન્ટ ક્રિએટર લેબ્સ તૈયાર કરશે. શાળાઓ ઉપરાંત 500 કૉલેજોમાં પણ આવી લેબ્સ બનાવવામાં આવશે.

રોજગાર અને વૈશ્વિક ઓળખ

આ પગલું માત્ર યુવાનોને રોજગારીની નવી તકો જ નહીં આપે, પરંતુ ભારતને વૈશ્વિક સ્તરે 'કન્ટેન્ટ હબ' તરીકે પણ સ્થાપિત કરશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યું કે, સોશિયલ મીડિયા આજે માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ એક ઊભરતો ઉદ્યોગ છે. જેમાં ડેટા એનાલિટિક્સ, ગ્રાફિક ડિઝાઇનિંગ અને ડિજિટલ માર્કેટિંગ જેવા અનેક ક્ષેત્રો સામેલ છે.

આ પણ વાંચો: કેન્સરની દવાઓ સસ્તી, 2.5 લાખ નોકરીઓ અને 3 નવી આયુર્વેદ સંસ્થાઓની જાહેરાત

ઉચ્ચ શિક્ષણમાં ડિજિટલ કૌશલ્ય

આ યોજનાનો વ્યાપ માત્ર શાળાઓ પૂરતો મર્યાદિત નથી. ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા યુવાનોને વધુ તકનીકી રીતે સક્ષમ બનાવવા માટે દેશની 500 મુખ્ય કૉલેજોમાં પણ આ લેબ્સનું નિર્માણ કરવામાં આવશે. આ લેબ્સમાં વિદ્યાર્થીઓને વીડિયો એડિટિંગ અને પોડકાસ્ટિંગ, સ્ક્રિપ્ટ રાઇટિંગ અને સોશિયલ મીડિયા મેનેજમેન્ટ, આધુનિક ઉપકરણો અને સોફ્ટવેર જેવી સુવિધાથી અવગત કરાવાશે. સરકારનો લક્ષ્ય એક એવું ઈકોસિસ્ટમ બનાવવાનો છે. જ્યાં વિદ્યાર્થીઓ પાસે ડિગ્રીની સાથે સાથે ડિજિટલ દુનિયા માટે જરૂરી વ્યવહારુ કૌશલ્ય (Practical Skills) પણ હોય.

ક્રિએટર ઈકોનોમીમાં ભારતની નવી ઉડાન

ભારત હાલમાં વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા બજારોમાંનું એક છે. ઇન્ફ્લુએન્સર માર્કેટિંગ અને ડિજિટલ એડવર્ટાઇઝિંગની વધતી જતી માંગને જોતાં સરકારનું આ રોકાણ દૂરોગામી માનવામાં આવે છે. IICT આ લેબ્સ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર કન્ટેન્ટ બનાવતા જ નહીં, પરંતુ તેમને ડિજિટલ એથિક્સ, કોપીરાઇટ કાયદા અને મોનેટાઇઝેશન(કમાણી)ની નાનામાં નાની વિગતો વિશે પણ માહિતગાર કરશે. આ પહેલથી આગામી વર્ષોમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોના યુવાનો માટે ઘરે બેઠા આવક મેળવવા અને મોટી બ્રાન્ડ્સ સાથે જોડાવાના માર્ગો મોકળા થશે.