Get The App

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી ભર્યું, તંત્રમાં દોડધામ, પંપ સીલ

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
CM Mohan Yadav Ratlam Tour


CM Mohan Yadav Ratlam Tour: મધ્યપ્રદેશના રતલામમાં આજે યોજાઈ રહેલા MP RISE-2025' કોન્ક્લેવમાં હાજરી આપવા આવી રહેલા મુખ્યમંત્રી માટે ગોઠવાયેલા વાહનોના કાફલામાં ડીઝલને બદલે પાણી ભરવાનો મામલો સામે આવ્યો છે. ગુરુવારે રાત્રે કાફલાના લગભગ 19 વાહનો ધોસી ગામ નજીક પેટ્રોલ પંપ પર ડીઝલ ભરવા ગયા હતા. ત્યાં ડીઝલ ભર્યા પછી, થોડું અંતર કાપ્યા પછી, બધા વાહનો અચાનક ચાલતા બંધ થઈ જતા આ મામલો સામે આવ્યો હતો. 

પેટ્રોલ પંપને સીલ કરવામાં આવ્યો 

આજે રતલામમાં એક રીજનલ કોન્કલેવનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ પણ ભાગ લેશે. આથી મુખ્યમંત્રીના કાફલા માટે ઇન્દોરથી લગભગ 19 ઇનોવા કાર મંગાવવામાં આવી હતી. ગુરુવારે રાત્રે પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભર્યા પછી એક પછી એક એમ બધી કાર બંધ પડી ગઈ હતી. જેથી તપાસ કરતા ડીઝલના બદલે પાણી ભરી દીધું હોવાની વાત સામે આવી હતી. તેમજ અન્ય એક ટ્રકમાં પણ ડીઝલના બદલે પાણી ભરાયા હોવાની ફરિયાદ સામે આવી હતી. આથી આ ઘટના પછી વહીવટીતંત્રે પેટ્રોલ પંપને સીલ કરી દીધો અને ઇન્દોરથી અન્ય વાહનોની વ્યવસ્થા કરવામાં આવી.

પેટ્રોલ પંપનો પ્રાદેશિક મેનેજર પણ ઘટના સ્થળે પહોંચ્યો 

આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. ધોસી ગામમાં સ્થિત પેટ્રોલ પંપ પર ઘટનાની માહિતી મળતાં  નાયબ મામલતદાર, ખાદ્ય અને પુરવઠા અધિકારી અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાહનોની ડીઝલ ટાંકી ખોલવામાં આવી હતી. વાહનમાં 20 લિટર ડીઝલ ભરેલું હોવાનું જાણવા મળ્યું હતું, જેમાંથી 10 લિટર પાણી નીકળ્યું હતું. આ સ્થિતિ તમામ વાહનોમાં જોવા મળી હતી.

આ પણ વાંચો: સાંસદના ડ્રાઈવરને 150 કરોડની જમીન કોણે ગિફ્ટ કરી? સરકાર અને તપાસ એજન્સીઓ ધંધે લાગી

એક ટ્રકમાં ભરવામાં આવેલા ડીઝલમાં પણ ભેળસેળ

આ દરમિયાન એક ટ્રકમાં લગભગ 200 લિટર ડીઝલ પણ ભરાયું હતું, જે થોડીવાર ચાલ્યા પછી બંધ થઈ ગઈ. ત્યારબાદ અધિકારીઓએ પેટ્રોલ પંપના પ્રાદેશિક મેનેજર શ્રીધરને ફોન કર્યો. તેમની સામે પેટ્રોલ પંપના કર્મચારીઓ કહી રહ્યા હતા કે વરસાદને કારણે ડીઝલ ટાંકીમાં પાણી લીક થઈ રહ્યું હોવાથી આવું બન્યું.

ડીઝલમાં પાણીનું પ્રમાણ તપાસવામાં આવી રહ્યું છે

ખાદ્ય અને પુરવઠા અધિકારીએ કહ્યું કે પેટ્રોલ પંપના ડીઝલમાં કેટલું પાણી ભેળવવામાં આવ્યું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે, અમે સ્ટોકની તપાસ કરી રહ્યા છીએ અને રિપોર્ટ તૈયાર કરીને રતલામ કલેક્ટરને સુપરત કરીશું. હાલમાં, પેટ્રોલ પંપ સીલ કરવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીના કાફલાની 19 ગાડીઓમાં ડીઝલની જગ્યાએ પાણી ભર્યું, તંત્રમાં દોડધામ, પંપ સીલ 2 - image

Tags :