ભારતમાં 250 જિલ્લામાં ‘ફાઈલેરિયાસિસ’નો રોગચાળો... જાણો કેટલી ખતરનાક છે આ બિમારી?
Filariasis Disease : મચ્છર કરડવાથી ફેલાતો ‘ફાઈલેરિયાસિસ’ રોગ દેશના 20 રાજ્યોમાં ફેલાયેલો છે. આ રોગના કારણે શરીરમાં ખૂબ સોજા આવે છે. ખાસ કરીને હાથ, પગ અને ગુપ્તાંગમાં વધુ સોજા આવે છે. આ બિમારીને સામાન્ય ભાષામાં હાથીપગો પણ કહેવામાં આવે છે. આ બિમારી ભારતના કયા રાજ્યોમાં સૌથી વધુ ફેલાયેલી છે અને તે કેટલી ખતરનાક છે, જાણે આ રિપોર્ટમાં...
ભારતમાં આ રાજ્યોમાં ‘ફાઈલેરિયાસિસ’ની સૌથી વધુ અસર
ભારતના ઉષ્ણકટિબંધીય અને ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ફાઈલેરિયાસિસના કેસ વધુ જોવા મળે છે કારણ કે ગરમ અને ભેજવાળી આબોહવા મચ્છરોના પ્રજનન માટે અનુકૂળ છે. આરોગ્ય મંત્રાલય અને વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ના ડેટા મુજબ, ઉત્તર પ્રદેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોના ઘણા લોકો આ બિમારીની ઝપેટમાં આવે છે. આ ઉપરાંત બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા જેવા રાજ્યોમાં પણ અનેક લોકો અસરગ્રસ્ત થયા છે.
દેશના 250 જિલ્લામાં રોગચાળો
એક રિપોર્ટ મુજબ, આ બિમારી ભારતના 20 રાજ્યોમાં 250થી વધુ જિલ્લાઓના લોકોને અસર કરી રહી છે. તેમાં ઉત્તર પ્રદેશના ગોરખપુર, આજમગઢ અને વારાણસી જેવા જિલ્લાઓમાં વધુ કેસ જોવા મળે છે. જ્યારે બિહારના ભાગલપુરમાં નવેમ્બરમાં સર્વે દરમિયાન 10264 સેમ્પલ લેવાયા હતા, જેમાંથી 2.07 ટકા ‘ફાઈલેરિયાસિસ’ના પરજીવીમાં સપડાયા હતા.
હાથીપગા રોગ એટલે શું?
હાથીપગાના રોગને ફાઇલેરિયાસીસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રોગ બાળપણમાં લાગુ પડે છે. મચ્છરના ડંખથી આ બીમારી ફેલાય છે. જેનાં લોહીમાં ફાઇલેરિયાના જીવાણું હોય તેને કોઈ મચ્છર ડંખ મારે અને પછી એ જ મચ્છર બીજાને કરડે ત્યારે એ વ્યક્તિના લોહીમાં પણ જીવાણું પ્રવેશે છે. ફાઇલેરિયાના જીવાણું કોઇ વ્યક્તિના શરીરમાં પ્રવેશ્યા પછી સામાન્ય રીતે પાંચથી દસ વર્ષે લક્ષણ દેખાતા હોય છે. આમાં હાથ-પગ અને અંડકોષમાં સોજો આવે છે. હાથીપગાની સારવાર માટે ડી.ઇ.સી. તથા એલ્બેન્ડાઝોલ નામની દવા આપવામાં આવે છે.
હાથીપગા રોગના લક્ષણો
- હાથીપગો થાય ત્યારે અવાર નવાર ખુબ જ તાવ આવે છે.
- બેચેની અનુભવાય.
- ઠંડી લાગે.
- અંગ અકડાય જાય.
- શરીરની કોઈ પણ લસિકાગ્રંથિમાં સોજા આવી શકે છે.
- સામાન્યરીતે હાથ, પગ તથા મહિલાઓમાં સ્તન અને પુરુષોમાં વૃષણગ્રંથીમાં સોજા જોવા મળે છે.
હાથીપગો અટકાવવાના ઉપાયો
- લોકોએ મચ્છર કરડવાથી બચવું જોઈએ.
- સવાર સાંજ ઘરના બારી બારણા બંધ રાખવા.
- મચ્છરદાનીમાં સૂવું જોઈએ.
- ઘરની આસપાસ ગંદુ પાણી જમા થવા ન દેવું જોઈએ.
- હાથપગમાં સોજાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સંપર્ક કરવો જોઈએ.