અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી, આખરે ધરપકડ
Image Source: Twitter
FBI Most Wanted Cindy Rodriguez Singh Arrested: FBI એટલે કે ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશનને મોટી સફળતા મળી છે. બ્યુરોએ ટોપ 10 ભાગેડુંઓની યાદીમાં સામેલ સિંડી રૉડ્રિગેઝ સિંહની આખરે ભારતમાંથી ધરપકડ કરી લીધી છે. અમેરિકાની FBI દ્વારા મોસ્ટ વોન્ટેડ ભાગેડું સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી. આ મોટી સફળતા પર FBIના પ્રમુખ કાશ પટેલે ભારતીય અધિકારીઓની પણ પ્રશંસા કરી છે. સિંહ પર પોતાના 6 વર્ષના પુત્રની હત્યા કરવાનો આરોપ છે. આ કેસ 2023નો છે. મળતી માહિતી પ્રમાણે અમેરિકામાં કાનૂની મામલાથી બચવા માટે અમેરિકાથી ભાગી આવી હતી.
કાર્યવાહીથી બચવા માટે સિંડી સિંહ ભારતમાં છુપાઈ હતી
સિંહ સામે કાર્યવાહીથી બચવા માટે ભાગી જવાથી લઈને એક FBI વોરંટ અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકની હત્યા મામલે ટેક્સાસ રાજ્યનું એક વોરંટ છે. આ મામલો 20 માર્ચ 2023ના રોજ સામે આવ્યો હતો. તે દરમિયાન ટેક્સાસ ડિપાર્ટમેન્ટ ઓફ ફેમિલી એન્ડ પ્રોટેક્ટિવ સર્વિસીસની એક ટીમ સિંહના પુત્રની જાણકારી લેવા માટે ગઈ હતી. ખાસ વાત એ છે કે બાળક ઓક્ટોબર 2022થી ક્યાંય જોવા નહોતો મળ્યો.
મીડિયા અહેવાલ પ્રમાણે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાળકને ઘણી સ્વાસ્થ્ય અને શારીરિક સમસ્યાઓ છે. આમાં ડેવલપમેન્ટ ડિસઓર્ડર, સોશિયલ ડિસઓર્ડર, પલ્મોનરી ઈડેમા, બોન ડેન્સિટિ અને એસ્ટોપિયા જેવી અનેક મુશ્કેલીઓ સામેલ છે. તપાસ દરમિયાન અધિકારીઓને જાણવા મળ્યું કે, સિંહ ગેરમાર્ગે દોરી રહી હતી અને કહી રહી હતી કે મારો પુત્ર નવેમ્બર 2022થી તેના પિતા સાથે મેક્સિકોમાં છે.
આ પણ વાંચો: '...તો પછી જેલમાં ધકેલનારા PM-CMને પણ જેલ થવી જોઈએ', મનીષ સિસોદિયાની માગ
તેના બે દિવસ બાદ 22 માર્ચ, 2023ના રોજ સિંહ, તેનો પતિ અને 6 બાળકોએ ભારત માટે ઉડાન ભરી હતી. તપાસકર્તાઓને જાણવા મળ્યું કે, ગુમ થયેલ બાળક ફ્લાઈટમાં નહોતું. ત્યારબાદ જુલાઈમાં સિંહને ભાગેડુંની યાદીમાં મૂકવામાં આવી હતી.
આખરે ધરપકડ
2 ઓક્ટોબર 2024ના રોજ સિંહ સામે ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરવામાં આવી હતી અને તેને તમામ સભ્ય દેશોને મોકલવામાં આવી હતી. તે દરમિયાન પ્રત્યાર્પણ સંબંધિત દસ્તાવેજો ભારતને પણ આપવામાં આવ્યા હતા, જેના પછી તેમની ધરપકડ શક્ય બની શકી. પટેલે કહ્યું કે, '...ટેક્સાસ, જ્યાંથી આ કેસની શરૂઆત થઈ, ત્યાંના સ્થાનિક ભાગીદારો, ન્યાય વિભાગ સાથે ભારતમાં અમારા ભાગીદારોનો આભાર.'