ફૌજા સિંહ હિટ એન્ડ રન કેસમાં NRIની ધરપકડ, કારથી ટક્કર માર્યા બાદ ગામે-ગામ નાસતો ફરતો હતો
Punjab Hit and Run Accident: 114 વર્ષીય મેરેથોન રનર ફૌજા સિંહ સાથે જોડાયેલો હિટ એન્ડ રનનો મામલો દેહાત પોલીસે માત્ર 30 કલાકની અંદર ઉકેલ્યો છે. મંગળવારે મોડી રાત્રે પોલીસે 30 વર્ષીય એનઆરઆઈ અમૃતપાલ સિંહ ઢિલ્લોનની ધરપકડ કરી છે. તેમજ તેની ફોર્ચ્યુનર કાર (PB20C7100) પણ જપ્ત કરી છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અમૃતપાલની પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરવામાં આવી હતી. તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ જણાવ્યું કે, તે ફોન વેચી મુકેરિયાથી પરત ફરી રહ્યો હતો, ત્યારે વ્યાસ પિંડ નજીક એક વરિષ્ઠને ગાડીની અડફેટે લીધો હતો. તેને જાણ ન હતી કે, વરિષ્ઠ વ્યક્તિ ફૌજા સિંહ છે. મોડી રાત્રે મીડિયામાં સમાચારમાં તેને જાણ થી હતી.
આ પણ વાંચોઃ હિમાચલમાં વરસાદે કહેર વર્તાવ્યો, 1000 કરોડનું નુકસાન, મૃત્યુઆંક વધીને 106 એ પહોંચ્યો
કરતારપુરથી કરી ધરપકડ
આરોપી અમૃતપાલ સિંહ ઢિલ્લોન જલંધરના કરતારપુરના દાસુપુર ગામનો રહેવાસી છે. અકસ્માત બાદ તે જલંધર ગયો ન હતો. પરંતુ ગામડાંઓમાંથી થઈ સીધો કરતારપુર પહોંચ્યો હતો. પોલીસે તેની કરતારપુર સ્થિત ઘરમાંથી ધરપકડ કરી હતી.
હાલ જ કેનેડાથી પરત ફર્યો હતો
એસએસપી હરવિન્દરસિંહ વિર્કના નિર્દેશ પર બનાવવામાં આવેલી પોલીસ ટીમે સંદિગ્ધ વાહનોની યાદી તૈયાર કરી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે, આ ગાડી કપૂરથલાના અઠૌલી ગામના વરિન્દર સિંહના નામે રજિસ્ટર્ડ હતી. વરિન્દર સિંહે જણાવ્યુ કે, તેણે આ ગાડી એનઆરઆઈ અમૃતપાલ સિંહને વેચી હતી. અમૃતપાલ હાલમાં જ કેનેડાથી પરત ફર્યો હતો. પોલીસ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરશે, જેથી વધુ તપાસ હાથ ધરી શકાય. આ અકસ્માત દરમિયાન ગાડી ઓવર સ્પીડમાં હતી કે કેમ તે જાણવા તપાસ કરી રહી છે.